સામાન્ય રીતે પોલીસ અધિકારી અને કર્મચારીઓ રાત દિવસ જોયા વગર સતત માનસિક તણાવ હેઠળ કામગીરી કરે છે ત્યારે પોલીસ વિભાગની ટીમ નો જુસ્સો જળવાઈ રહે અને માનસિક રીતે હળવાશ અનુભવે તે માટે થઈને સમયાંતરે જુદી જુદી રમતગમત અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.
જે અંતર્ગત મોરબી નજીકના સાદુળકા ગામે આવેલ સર્વોપરી સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોરબી ડિસ્ટ્રીક પોલીસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબી જિલ્લામાંથી જુદા જુદા પોલીસ મથકો અને જુદી જુદી શાખાની કુલ મળીને આઠ ટીમો વચ્ચે ચાર દિવસ સુધી રાત્રિ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે અને શુક્રવારે સાંજે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું મોરબી જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યા તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમ તેમજ ડોક્ટર અને પત્રકારોની ટીમ વચ્ચે બે ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમ વચ્ચેના મેચમાં ભારે રસાકસી વચ્ચે પોલીસની ટીમ વિજેતા બની હતી જ્યારે ડોક્ટર અને પત્રકાર વચ્ચેની ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં ડોક્ટરોની ટીમે વિજય મેળવ્યો હતો. જેથી વિજેતા ટિમો સહિત ચારેય ટીમના કેપ્ટન તેમજ મેચમાં સારો દેખાવા કરનારા ખેલાડીઓને કલેકટર, એસપી, ડીએસપી વગેરે અધિકારીઓના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.