રોડ ઉપર રોઝડાને તારવવા જતા ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારતા સર્જાયો ગંભીર અકસ્માત.
ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટીયાથી ખજૂરા હોટલ વચ્ચે રાજકોટ-મોરબી હાઇવે ઉપર રોડ વચ્ચે ઉભેલ રોજડાને તારવવા જતા ડમ્પર ચાલકે પોતાના વાહનને અચાનક બાઇકને સાઈડમાંથી જોરદાર ટક્કર મારતા, બાઇક સવાર બે મિત્રો અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં બાઇક ચાલજ ફંગોળાઈ રોડની સાઈડમાં પડેલ જ્યારે બાઇકમાં પાછળની સીટમાં બેસેલ મિત્ર મોટરસાયકલ સહિત ડમ્પરના જોટ્ટામાં આવી જતા, તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકને હાથ અને પગમાં મૂંઢ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો.
મળતી વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની હાલ મકનસર ગામે ભાડેના મકાનમાં રહેતા અંતરસિંગ મગનસિંગ ચૌહાણ ઉવ.૩૦ એ ટંકારા પોલીસ સમક્ષ આરોપી ડમ્પર રજી.નં. જીજે-૧૩-એડબલ્યુ-૯૭૮૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૩૧/૧૦ના રોજ ફરિયાદી અંતરસિંગ અને તેમનો મિત્ર છગનભાઇ ગણપતભાઈ કનેશ પોતાની માલીકીનું એચએફ ડિલક્ષ મોટર સાયકલ રજી.નં. એમપી-૬૯-ઝેડએ-૩૩૮૦ લઈને રાત્રીના ૧૨ વાગ્યાના અરસામાં રાજકોટ નજીક આવેલ હરિપર(તરોડા) ગામથી પરત મોરબી આવતા હોય તે દરમીયા જબલપુર ગામના પાટીયાથી ખજૂરા હોટલ વચ્ચે રોડ ઉપર રોઝડું ઉભેલ દેખાતા, ફરિયાદી અંતરસિંગે મોટર સાયકલ ધીમું કરી દીધું હતું ત્યારે મોટર સાયકલ પાછળ આવતા ઉપરોક્ત ડમ્પર ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડના અને ગફલતભરી રીતે ચલાવી આવી મોટર સાયકલનો ઓવરટેક કરી રોઝડાને બચાવવા જતા, ડમ્પરને મોટર સાયકલની સાઈડમાં લઈ લેતા, મોટરસાયકલને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલ છગનભાઇ મોટર સાયકલ સહિત ડમ્પરના જોટ્ટામાં આવી જતા, છગનભાઈને માથામાં અને પગમાં ગંભીર ઇજાઓ પહોચતા તેઓનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે મોટર સાયકલ ચાલક ફરિયાદી અંતરસિંગને હાથ-પગમાં મૂંઢ ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો. હાલ ટંકારા પોલીસે અકસ્માત અંગે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









