મોરબી-હળવદ હાઇવે ઉપર નીચી માંડલ થી ઉંચી માંડલ ગામ વચ્ચે આવેલ શિવ પેટ્રોલ પંપમાં અચાનક ટ્રકને વાળી દેતા સામેથી બાઇકમાં સવાર બે મિત્રોને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં હેમરેજ, ફેફસા લીવરમાં ઇજા તેમજ પાસળીઓમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી તેમજ પાછળ બેઠેલ યુવકને માથામાં હેમરેજ અને પગમાં ફ્રેકચર થયું હતું, ત્યારે બે માસ પહેલા બનેલ અકસ્માતના બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગઈ તા.૦૪/૦૨ના રોજ સુરેન્દ્રનગરમાં ફિરદૌસ સોસાયટી ચાર માળીયા એચ/૧૨ માં રહેતા ઇમરાનભાઈ અબ્દુલભાઇ ભટ્ટી અને તેમનો મિત્ર અલ્લારખાભાઈ હનીફભાઈ ભટ્ટી રહે.ચરાડવા તા.હળવદ એમ બન્ને મિત્રો મોરબીથી ચરાડવા ઇમરાનભાઈનું બાઇક રજી.નં.જીજે-૧૩-બીજે-૦૧૮૭ લઈને જતા હોય ત્યારે નીચી માંડલ થી ઉંચી માંડલ વચ્ચે આવેલ શિવ પેટ્રોલ પંપમાં ટ્રક ટેન્કર રજી.નં. જીજે-૧૦-ટીવાય-૬૨૮૪ ના ચાલકે પોતાનું ટેન્કર વાહન ફૂલ સ્પીડમાં ચલાવી ગફલતભરી રીતે એક્દમથી વળાંક લેતા સામેથી આવતા બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, ત્યારે ટ્રક ટેન્કરની જોરદાર ટાક્કરથી બાઇક સવાર બન્ને મિત્રો નીચે પટકાયા હતા, જેમાં બાઇક ચાલક અલ્લારખાભાઈને માથામાં હેમરેજ તેમજ બંને પાસળીઓમાં ફ્રેકચર, ફેફસા, લીવરમાં ઇજા પહોંચી હતી જ્યારે ઇમરાનભાઈ કે જેઓ બાઇક પાછળ બેસેલ તેને માથામાં હેમરેજ તથા પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે સમગ્ર અકસ્માત મામલે ઇજાગ્રસ્ત ઇમરાનભાઈએ તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટેન્કરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.