મોરબી શહેરના શક્તિ પ્લોટ વિસ્તારમાં શેરી નં.૮ માંથી પુરપાટ ઝડપે આવતી ઇકો કારે મોટર સાયકલમાં સવાર બે મિત્રોને હડફેટે લેતા, બન્ને મિત્રો રોડ ઉપર પટકાયા હતા, જેથી બન્ને યુવકને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લાવતા, જ્યાં મોટર સાયકલ ચાલકને પગમાં ફ્રેકચર અને પાછળ બેઠેલા યુવકને ઘૂંટણમાં ઇજાઓ અંગેની સારવાર માટે દાખલ કરાયા હતા. હાલ ઇજાગ્રસ્ત મોટર સાયકલ ચાલક દ્વારા ઇકો કારના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક સોસાયટી સામે લાભ-લક્ષ્મી એપાર્ટમેન્ટ મકાન નં.૨૦૩માં રહેતા અલ્પેશભાઈ હર્ષદભાઈ દોશી કે જેઓ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે, તેમણે ઇકો કાર રજી.નં. જીજે-૦૩-એલબી-૨૭૧૩ ના ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું કે, ગઈકાલ તા.૦૬/૦૭ના રોજ અલ્પેશભાઈ અને તેમના મિત્ર દીપેશભાઈ ચૌહાણ હીરો હોન્ડા પેશન પ્રો રજી.નં. જીજે-૦૩-ઈએમ-૭૭૩૮ લઈને ગ્રીન ચોકથી ઘરે આવતા હોય તે દરમિયાન બન્ને શક્તિ પ્લોટ શેરી નં.૮ માં પહોંચ્યા ત્યારે તે શેરીમાંથી ઇકો કારના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડના ચલાવી આવી બન્ને મિત્રોને મોટર સાયકલ સહિત ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતની ઘટનામાં અલ્પેશભાઈ અને તેમનો મિત્ર દીપેશભાઈ રોડ ઉપર પટકાયા હતા, જે બાદ અકસ્માત સર્જનાર ઇકો કાર ચાલક બંને મિત્રોને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા, જ્યાં મોટર સાયકલ ચાલક અલ્પેશભાઈને પગમાં ફ્રેકચર તથા આંગળીઓમાં ઇજાઓ તેમજ મોટર સાયકલ પાછળની સીટમાં બેઠેલા દીપેશભાઈને ઘૂંટણમાં ઇજાઓ માટે હાજર ડોક્ટરે સારવાર શરૂ કરી હતી. હાલ પોલીસે આરોપી ઇકો ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.