મોરબીના નવા નાગડાવાસ નજીક પગપાળા જતા બે મિત્રોને અજાણ્યા વાહને હડફેટે લેતા એકનું મોતમોરબીના માળીયા(મી) નેશનલ હાઇવે ઉપર નવા નાગડાવાસ ગામ નજીક હિટ એન્ડ રનના કિસ્સામાં મોરબીના બે મિત્રો માતાના મઢ પગપાળા જતા હોય ત્યારે પાછળથી આવેલ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી આવી રોડની બાજુમાં ચાલીને જતા એક મિત્રને ઠોકરે ચડાવતા તેનો ધક્કો લાગતા બીજો મિત્ર પણ રોડ ઉપર પટકાયો હતો, જ્યારે અજાણ્યો વાહન ચાલક ગંભીર અકસ્માત સર્જી સ્થળ ઉપરથી નાસી ગયો હતો. અકસ્માતમાં એક યુવકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બીજાને બેભાન અવસ્થામાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતના અઢી મહિના બાદ તાલુકા પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત યુવક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિટ એન્ડ રન અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર, મોરબીમાં માળીયા ફાટક પાસે વિદ્યુતનગરના ખૂણે રહેતા જયેશભાઇ ઉર્ફે જલો પ્રભાભાઈ ઉકાવા ઉવ.૨૧ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૧૬/૦૯/૨૦૨૫ ના રોજ જયેશભાઇ તથા તેનો મિત્ર શનીભાઈ મનુભાઈ કાગથરા ઉવ.૨૫ રહે. માળીયા ફાટક પાસે ભારતનગર મફતીયાપરા મોરબી-૨ વાળો એમ બન્ને મિત્રો મોડી સાંજે માતાના મઢ પગપાળા ચાલીને જવા નીકળ્યા હતા, ત્યારે રાત્રીના ૧૨.૩૦ વાગ્યાના અરસામાં શનીભાઈ રોડની ધાર બાજુ તથા ફરિયાદી જયેશભાઇ તેની બાજુમાં ચાલતા હોય ત્યારે પાછળથી આવેલ અજાણ્યા વાહનના ચાલકે શનિભાઈને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. તે દરમિયાન જયેશભાઈને પણ શનિભાઈનો ધક્કો લાગતા તે પણ રોડ ઉપર પટકાયા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. આ અકસ્માતમાં શનિભાઈનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી જયેશભાઈને ૧૦૮ મારફત બેભાન હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલ સારવારમાં લાવેલ હતા. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આરોપીને પકડી લેવા વિવિધ દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે.









