મોટરસાયકલ પર આવેલા બે શખ્સોનો આતંક, નજીવી બાબતે થયેલ હુમલાથી ચકચાર.
મોરબીના વીસીપરા વિસ્તારમાં વહેલી સવારે બે મિત્રો ઉપર છરી વડે હુમલો થવાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે બંધ પડેલ પાનની દુકાને મજૂરી કામ અંગે વાત કરવા બેઠેલા યુવાનોને કારણ વિના ગાળો આપી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી રાજકોટ રિફર કરાયો છે. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ડીલક્ષ પાનની બંધ પડેલ દુકાન પાસે વહેલી સવારે વીસીપરામાં પંચની માતા વાળી શેરીમાં રહેતા પિન્ટુભાઈ ભરતભાઈ ઘટોલીયા ઉવ.૨૮ એ આરોપી વસીમ યુનુષભાઈ સેડાત અને જાવેદ ઇકબાલભાઈ મોવર બંને રહે.વીસીપરા વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કે, તે અને તેમનો મિત્ર સુરેશ જંજવાડીયા મજૂરી કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળીને બંધ પડેલ પાનની દુકાને બેઠા હતા. તે દરમિયાન એક મોટરસાયકલ પર ઉપરોક્ત બંને આરોપીઓ આવી બંને પિન્ટુભાઈ અને તેના મિત્રને વહેલી સવારે ત્યાં બેસવાનું કારણ પૂછ્યું હતું. ત્યારે યુવકો દ્વારા મજૂરી કામ અંગે વાત કરવા બેઠા હોવાનું જણાવતાં આરોપીઓએ ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા અને બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને પિન્ટુભાઈ તથા તેમના મિત્રને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન આરોપી જાવેદે પોતાના પાસે રાખેલી છરી કાઢી પિન્ટુભાઈના વાસાના ભાગે, જ્યારે બચાવવા વચ્ચે પડેલા સુરેશને ખભાના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. હુમલા બાદ બંને ઘાયલ યુવકોને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી પિન્ટુભાઈને ગંભીર ઈજાને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









