રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે મોરબીમાં ર કલાકમાં પ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. સર્વત્ર પવનના સુસવાટા ફુંકાઇ રહયા છે. જે વચ્ચે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિંચાઇ યોજનામાં રૂલ લેવલ જેટલું પાણી ભરાય ગયું હતું તેમજ પાણીની આવક હજુ પણ યથાવત રહેતા મચ્છુ-૩ ડેમના 02 દરવાજા અડધો ફુટ ખોલવાની ફરજ પડી છે. તેમજ સિંચાઇ યોજનાના નીચાણવાળા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા(મી) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મી), હરીપર અને ફતેપર એમ કુલ 21 ગામોને એલર્ટ કરાયા છે.