માળીયા(મી) તાલુકાના વેજલપર ગામે નિશાચરોએ એક જ રાત્રી દરમિયાન બે બંધ ઘરોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. એક ઘરમાંથી રોકડ રૂ.૩૮ હજારની ચોરી થઈ, જ્યારે બીજા ઘરેથી રોકડ રકમ ઉપરાંત ત્રીજી ચોરીમાં ગામમાંથી એક વ્યક્તિનું હીરો કંપનીનું મોટર સાયકલ પણ ચોરી થઈ ગયું હતું. હાલ પોલીસે અજાણ્યા ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માળીયા(મી) તાલુકાના વેજલપર ગામે તા. ૧૦ ઑક્ટોબરની રાત્રે તસ્કરોએ એક જ રાત્રીમાં બે ઘરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ફરીયાદી કિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયા ઉવ.૫૫ રહે. પટેલ શેરી, વેજલપર વાળાએ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, તેઓ અને તેમની પત્ની ગીતાબેન ૦૮/૧૦ની રાત્રે તેમના દિકરા ભાવેશભાઈના મોરબી સ્થિત ઘરે રોકાયા હતા. ૧૦/૧૦ના રોજ સવારે ૬ વાગ્યે પાડોશી બચુભાઈ દેત્રોજાનો ફોન આવી જાણ કરી કે તેમના ઘરના તાળા તૂટેલા છે. કિશોરભાઈ ઘરે પાછા ફર્યા બાદ જોયું તો મુખ્ય દરવાજાનો નકુચો અને અંદરના કબાટનું તાળું તૂટી ગયું હતું. તપાસ કરતાં કબાટમાં રાખેલ લસણના બીયારણ ખરીદવા માટે રાખેલા રોકડા રૂ.૩૮,૦૦૦ ગુમ હોવાનું જણાયું. અડોશ-પડોશમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ધર્મેશભાઈ કૈલાનાના મકાનનું તાળું પણ તૂટી ગયું હતું અને તેમના ઘરમાંથી પણ રોકડ રકમની ચોરી થઈ હતી. સાથે જ ગામના ગૌતમભાઈ ભરવાડનું હીરો કંપનીનું મોટર સાયકલ ચોરી કરી લઈ ગયા હતા. હાલ માળીયા(મી) પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ધોરણસર ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે