લાલપર ગામે સંતકૃપા હોટલ પાસે ઉશ્કેરાયેલા ચાર જેટલા શખ્સોએ લોખંડના પાઈપથી માર મારી ઈજાઓ પહોંચાડી.
મોરબી તાલુકાના લાલપર ગામે સમાધાનની વાતચીત દરમ્યાન ઉશ્કેરાયેલા શખ્સોએ હોટલ સંચાલક સહિત બે વ્યક્તિ ઉપર હુમલો કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
મળતી વિગત મુજબ, લાલપર ગામ નવાપરા પ્લોટ વિસ્તારમાં રહેતા અને સંતકૃપા હોટલના સંચાલક મયુરભાઈ રતીલાલભાઈ અઘારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મહેસભાઈ ભરવાડ રહે. રફાળેશ્વર મચ્છોનગર તા.જી.મોરબી તથા ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૩/૦૧/૨૦૨૬ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ ફરિયાદી મયુરભાઈ પોતાની હોટલ ખાતે હાજર હતા ત્યારે આરોપી મહેશભાઈ ભરવાડ તથા તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા ઈસમો હોટલ પર આવી સમાધાનની વાતચીત દરમ્યાન આરોપી મહેશભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી તથા તેના સાથીદારોએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ફરિયાદીને છોડાવવા વચ્ચે પડેલા સત્યમ પ્રજાપતિ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ ત્યાં પડેલ લોખંડના પાઈપ વડે ફરિયાદીના માથા પર ઘા મારી ગંભીર ઈજા પહોંચાડતા ચાર જેટલા ટાંકા આવ્યા હતા, જ્યારે સત્યમ પ્રજાપતિને કપાળના ભાગે સામાન્ય ઈજા થઈ હતી.
આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી નાસી ગયા હતા. હાલ આ મામલે મોરબી તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









