મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર ગામે અકસ્માતની ઘટનામાં ટ્રકના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી ચલાવી આવી રોડ ઉઓર ડિવાઈડરની કટમાં રોડ ક્રોસ કરવા ઉભેલ બાઇક તથા રીક્ષાને હડફેટે લઈને મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં બાઇક ઉપર સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી તથા રીક્ષાનો કડુસલો બોલાવી ભારે નુકસાન કર્યું હતું. હાલ બન્ને ઇજાગ્રસ્તો સારવારમાં હોય ત્યારે ઇજાગ્રસ્ત પ્રૌઢ દ્વારા ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના મોજેરામ કેશવદાસ દુધરેજીયા ઉવ.૫૫ ગત તા.૧૧/૧૧ ના રોજ સાંજે પોતાના મિત્ર કરણાભાઈ પોપટભાઈ ગોલતર સાથે મોરબી કામ સબબ કરણાભાઈના મોટરસાયકલ રજી.નં. જીજે-૧૩-એલએલ-૩૩૨૭ માં પાછળ બેસીને જતા હતા ત્યારે મકનસર ગામે આરાધના સીરામીમ કારખાના સામે મોરબી -વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રોડ ક્રોસ કરવા ડિવાઈડરની કટ પાસે ઉભા રહ્યા ત્યારે તેમની આગળ એક સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૧૬૬૫ પણ ઉભી હતી ત્યારે પાછળથી અચાનક ફૂલ સ્પીડમાં આવેલ ટ્રક રજી.નં. એમપી-૦૯-એચએચ-૬૯૧૯ના ચાલકે પોતાનો ટ્રક ફૂલ સ્પીડના અને ગફલતભરી રીતે ચલાવી આવી બાઇક અને બાદમાં રીક્ષા સાથે જોરદાર ટક્કર મારતા, બાઇક સવાર મોજેરામ અને બાઇક ચાલક કરણાભાઈ નીચે પડી જતા મણકા, પાસળી અને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓને ૧૦૮ મારફત મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજીબાજુ સીએનજી રીક્ષામાં નુકસાન થયું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે ઇજાગ્રસ્ત મોજેરામની ફરિયાદને આધારે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









