મોરબી ટાઉન વિસ્તારમાં એકલ-દોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રીક્ષામાં બેસાડી ઉલ્ટી ઉબકા કરવાનું નાટક કરી નજર ચૂકવી રોકડા રૂપીયા ચોરી કરતી ગેંગના બે સભ્યોને મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે.
મળતી માહિતી આનુસાર, ગત તા.૨૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ એક રીક્ષામાં ત્રણ પુરૂષ તથા એક સ્ત્રી મળી કુલ ચાર અજાણ્યા ઇસમોએ મોરબી શનાળા રોડ, માર્કેટીંગ યાર્ડ પાસેથી એક વ્યકિતને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી વાતચીત કરી ઉલ્ટી ઉબકાનું નાટક કરી પેસેન્જરની નજર ચુકવી તેના ખીસ્સામાં રહેલ રોકડા રૂપીયા-૫૦,૦૦૦/- ની ચોરી કરી રીક્ષા લઇ નાશી ગયેલ હોય જે બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી એલ.સી.બી. દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા સારૂ આજરોજ તા.૨૭/૦૬/૨૦૨૪ ના રોજ પેરોલ ફર્લો સ્કોડ પેટ્રોલીંગમાં હતી.
દરમ્યાન તેઓને મળેલ હકિકતનાં આધારે GJ-03-BX-6186 નંબરની સી.એન.જી. રીક્ષા ગુનાને અંજામ આપનાર ઇરફાનભાઇ મહમદભાઇ અબુમીયા બુખારી તથા કાંતાબેન હરીભાઇ ડાભીને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી હસ્તગત કરી પુછપરછ કરતા પોતે બન્ને તથા ગયઢો ઉર્ફે ગઢો હરીભાઈ ડાભી તથા કીશનભાઇ મગનભાઇ પાંભણીયા નામના ઇસમોએ મળી ઉપરોકત ગુનાની કબૂલાત આપતા અને નજર ચૂકવી સેરવી લીધેલ રોકડા રૂપીયા ૫૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૨૫,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી ગણતરીની કલાકોમાં અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપી, મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ સોપવામાં આવેલ છે.