વાંકાનેર તાલુકાના ઢુવા ઓવરબ્રિજ નજીકથી વિદેશી દારૂની કારમાં હેરાફેરી કરતા બે શખ્સોને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે પકડી પાડ્યા છે. જયારે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા વધુ એક આરોપીનું નામ સામે આવ્યું હતું. જેથી તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ઓવરબ્રીજ પાસેથી GJ-03-EL-1875 નંબરની સેંટ્રો કારને રોકી તેમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૧૦ બોટલનો રૂ. ૧,૫૪,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કાર, વિદેશી દારૂ તથા ૦૨ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩,૧૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે વિપુલભાઈ પ્રવિણભાઈ ચાવડા તથા ગજાનંદભાઈ ભરતભાઈ મહતો નામના બે ઇસમોને પકડી પાડી તેમજ પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વિનાભાઈ (રહે.વિંછીયા તા.વિછીયા જી.રાજકોટ) હાજર નહી મળી આવતા તેને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









