ટંકારામાં દીકરી સાથે રીક્ષા ચાલકના દીકરાને પ્રેમસંબંધ હોવાની શંકા રાખી લતીપર રોડ ઉપર રીક્ષામાં ફેરો કરીને પરત આવતા પ્રૌઢની રીક્ષાને આંતરી લોખંડના પાઇપ વડે રીક્ષામાં નુકસાની કરી પ્રૌઢને બેફ માર મારવામાં આવ્યો હતો. જે હુમલામાં પરોઢના બંને પગમાં તથા એક હાથમાં ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને શખ્સો જતા રહ્યા હતા. ત્યારે સમગ્ર બનાવ બાબતે પ્રૌઢ દ્વારા બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારાના ભરવાડવાસમાં રહેતા નાગજીભાઈ ખેંગારભાઈ ટોળીયા ઉવ.૫૫ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી હકાભાઈ મશરૂભાઈ ઝપડા તથા મુકેશ મશરૂભાઈ ઝપડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે નાગજીભાઈ રીક્ષામાં સરાયા ગામથી ફેરો કરી ટંકારા પરત આવતા હોય ત્યારે લતીપર રોડ ઉપર આવેલ પ્રભુ ચારણ આશ્રમ પાસે ઉપરોક્ત બંને આરોપીઓ આરોપી હકાભાઈ મશરૂભાઈ ઝપડા તથા મુકેશ મશરૂભાઈ ઝપડા એ પોતાની ફોરવ્હીલમાં ધસી આવી નાગજીભાઈની રીક્ષાને આંતરી બંને આરોપીઓએ લોખંડના પાઇપ વડે રીક્ષાના આગળના કાચ તોડી નાખી નાગજીભાઈને ગાળો ભાંડવા લાગ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓએ નાગજીભાઈને રીક્ષામાંથી બહાર કાઢી લોખંડના પાઇપ વડે આડેધડ માર મારવા લાગ્યા હતા. ત્યારે આજુબાજુમાં રહેતા લોકો તથા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોનું ટોળું એકત્ર થઇ જતા બંને આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત નાગજીભાઈને પ્રથમ ટંકારા બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા જ્યાં નાગજીભાઈને બંને પગમાં તથા એક હાથમાં ફ્રેકચર જેવી ઇજા થયું હોવાનું માલુમ પડ્યું હતું જે મુજબની ફરિયાદના આધારે ટંકારા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ માર મારવાની, જાનથી મારી નાખવાની તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.