મોરબી જીલ્લામાં બે જુદા જુદા કારખાનામાં બે પરપ્રાંતિય મજૂરોના મૃત્યુ નિપજ્યા હોવાના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી છે. મોરબી તાલુકામાં શ્રમિકનું લોડરના ટાયરમાં આવી જતા તેમજ વાંકાનેર તાલુકામાં શોર્ટ સર્કિટને કારણે શ્રમિકના મોત નિપજ્યા હતા.
પ્રથમ અપમૃત્યુના બનાવની મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના ધામંડા ગામના રહેવાસી અને હાલ કેરાળા (હરીપર) ગામની સીમમાં આવેલા સ્પીરોન ક્લે LLP કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ૧૭ વર્ષીય વિશાલ દિલીપ પાલ ૨૯ જુલાઈ ૨૦૨૫ના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે કામ દરમિયાન અકસ્માતે મરણ થયું હતું. જાહેર કરનાર તરીકે તેના પિતા દિલીપ પાલએ જણાવ્યું કે કારખાનામાં કામ દરમ્યાન ટ્રેક્ટર લોડર રજી.નં. જીજે-૩૬-એસ-૩૦૨૧ ના ટાયર નીચે વિશાલ આવી ગયો હતો. માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
અપમૃત્યુના બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અ.મોતની નોંધની પ્રાપ્ત વિગતો મુજબ ૩૧ વર્ષીય માતલસિંહ મગનસિંહ હાલ રહે. લીજોન સિરામિક માટેલ રોડ મૂળ ઓડિશા રાજ્યના મયુરભાંજ જીલ્લાના આદલપ્લા ગામના રહેવાસી હતા. ગઈકાલ તા.૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યાના આસપાસ કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી તેઓને વિજશોક લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.