મોરબી ક્રાઇમ બ્રાન્ચની કામગીરી હેઠળ બે મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો
મોરબી તથા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે એક શખ્સને ચોરીના ત્રણ મોટર સાયકલ સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે. આ સાથે આરોપી વાહન ચોર પાસેથી ત્રણેય મોટર સાયકલ કબ્જે લઈ આગળની કાર્યવાહી સબબ માળીયા(મી) પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી. શાખાના હેડ કોન્સ ચંદુભાઇ કાણોતરા, શક્તિસિંહ ઝાલા, પો.કોન્સ દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલાને ખાનગી બાતમીદારો આધારે હકીકત મળેલ કે, રજાક દોસમામદ મીંયાણા રહે. કાજરડા નીશાળ પાસે તા.માળીયા વાળો પોતે ચોરી કરેલા મોટર સાયકલો તેના મકાને રાખેલ છે અને પોતે પણ ત્યા હાજર છે. જેથી તુરંત મળેલ બાતમીને આધારે ઉપરોક્ત ઇસમના રહેણાક મકાને ઝડતી તપાસ કરતા તેના ફળીયામાંથી નંબર પ્લેટ વગરના અલગ અલગ ત્રણ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલો મળી આવેલ જે ત્રણેય મોટર સાયકલ બાબતે ઇસમને પુછતા પોતે અલગ અલગ બહાના બતાવવા લાગ્યો, જેથી ત્રણેય મોટર સાયકલોના આધાર કે આર.સી.બુક માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી ઇસમની આગવી ઢબે પુછપરછ કરતા તેણે આ મોટર સાયકલો મોરબી તાલુકાના લુંટાવદર ગામે તથા હળવદ તાલુકાના દેવળીયા ગામે તથા ભચાઉ ખાતેથી ચોરી કરેલ હોય જેથી મળી આવેલ મોટર સાયકલો બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા, આ મોટર સાયકલ હળવદ તથા મોરબી તાલુકા પોલીસ મથક તેમજ ભચાઉ વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનુ સામે આવ્યું હતું. હાલ મોટર સાયકલ ચોરી અંગે હળવદ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરીના ગુન્હાઓ રજીસ્ટર થયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ ત્રણેય મોટર સાયકલ પૈકી બે ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે તેમજ એક મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા, જેને કબજે કરી પકડાયેલ આરોપી રઝાકભાઇ દોસમામદ કાજડીયા રહે.હાલ કોયબા ડેમ પાસે વાડીમાં તાલુકો હળવદ મુળગામ કાજરડા તા.માળીયા(મી) વાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા(મી) પોલીસ મથકે સોપી આપેલ છે.
પકડાયેલ આરોપી દિવસ દરમિયાન મોરબી તથા આજુ બાજુના ગામડામાં રેકી કરી એકલ-દોકલ પડેલ મોટર સાયકલોની આજુ-બાજુ કોઇ માણસ જોવામાં ન આવે તો મોટર સાયકલોને ડારેક્ટ કરી ચોરી કરી લેવાની ટેવ વાળો છે. આ સાથે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશ આપ્યો છે કે તમારા વાહનો (ટુ-વ્હીલર્સ) કોઇ જગ્યાએ ખરીદી અથવા કામ સબબ ગયેલ હોય ત્યારે પાર્ક કરતી વખતે હેંડલ લોક કરીને જવુ જેથી કરીને આપના વાહનો સુરક્ષીત રહે અને આ પ્રકારના વાહન ચોરીના બનાવો બનતા અટકાવી શકાય.