મોરબી તાલુકાના ખાખરાળા ગામે બસમાંથી ઉતરી ચાર જેટલા રાહદારીઓ રોડ ક્રોસ કરી રહ્યા હોય તે દરમિયાન મોરબી તરફથી બેફામ ગતિએ આવી રહેલ કારે બે રાહદારીઓને ટક્કર મારતા એકને ગંભીર ઈજા પહોંચી અને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાને લઈને તાલુકા પોલીસ મથકે આરોપી કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના ખાખરાળા ગામે હનુમાનજી મંદિર પાસે તા.૧૫ માર્ચના રોજ સવારે બનેલા અકસ્માતમાં રોડ ક્રોસ કરતા બે રાહદારીને કારચાલકે હડફેટે લીધા હતા. જે બનાવ અંગે મોરબીના રવાપર રોડ ઉપર મારુતિનગર બી/૨૬માં રહેતા મૂળ વાઘપર(પીલુડી) ગામના વતની ત્રિભોવનભાઈ સંઘાભાઈ કડીવાર ઉવ.૭૪ ની ફરિયાદ મુજબ, તેઓ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે બસમાં ખાખરાળા ગામે પહોંચ્યા બાદ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મોરબી તરફથી આવતી હ્યુન્ડાઇ કંપની કાર રજી.નં. જીજે-૦૪-સીઆર-૬૮૯૦ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફામ રીતે ચલાવી આવી ફરિયાદીના પત્ની પ્રભાબેન અને મિત્ર ગોવિંદભાઈને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રભાબેનને સામાન્ય ઈજા થતા તેમને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે ગોવિંદભાઈને માથામાં ગંભીર ઈજા સાથે હેમરેજ તેમજ પાસળી અને મણકામાં ફ્રેક્ચર થતા પહેલા મોરબી અને બાદમાં રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ તાલુકા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









