મોરબી ગૌરક્ષક દળના સભ્યોને બાતમી મળતાં મોરબી-માળીયા હાઈવે પર ટીબડી ગામ નજીક એક મહીન્દ્રા જીતો વાહન અટકાવી તપાસ કરતા ઘેટા-બકરાની ગેરકાયદેસર હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા હતા. વાહનમાં કુલ ૧૦ બકરા અને ૩ ઘેટા કોઈ પાસ-પરમિટ કે પુરાવા વિના ક્રુરતાપૂર્વક ભરેલ મળી આવ્યા હતા. આ સાથે મોરબી તાલુકા પોલીસે વાહન તથા પશુઓ સહિત રૂ.૨.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા તેમજ અખીલ વિશ્વ ગૌસર્વધન પરીષદ ગૌરક્ષક દળના વિવેકભાઈ વેલજીભાઈ અધારાએ તાલુકા પોલીસ સમક્ષ આપેલ ફરિયાદમાં જણાવ્યું કે, તા.૩૦/૦૮ના રોજ બાતમી મળતાં તેઓ અનિલભાઈ કંડીયા અને જયદીપભાઈ દાવડાની સાથે મોરબી-માળીયા હાઈવે પર ટીબડી ગામ પાસે ચેકિંગમાં ઊભા હતા. ત્યારે એક મહીન્દ્રા જીતો વાહન રજી. નં. જીજે-૧૭-યુયુ-૬૭૫૯ આવતાં અટકાવી તપાસ કરતા વાહનમાં ૧૦ બકરા અને ૩ ઘેટા ભરેલા જોવા મળ્યા. વાહનચાલકે પોતાનું નામ શબીરભાઈ મહમદહનીફ શેખ રહે. અંજાર કચ્છ જણાવ્યું હતું, જ્યારે સાથીદાર ધારીભાઈ બચુભાઈ જીલીયા રહે. મોરબી-૨ હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમ્યાન બંને પાસે પશુઓની હેરાફેરી માટે કોઈ પણ પ્રકારના પાસ, પરમિટ કે પુરાવા ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત વાહનમાં પશુઓ માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર અતિ ક્રુરતાપૂર્વક બાંધીને લઈ જતા હોવાનું સામે આવતા વાહન સહિત બંને ઈસમોને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. જ્યાં તાલુકા પોલીસે વાહન કિ.રૂ.૧.૫૦ લાખ, ૧૦ બકરા રૂ.૫૦ હજાર અને ૩ ઘેટા રૂ.૧૫ હજાર મળી કુલ રૂ.૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓ સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.