મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક મોબાઇલ ટાવરમાંથી આશરે ૩૦ હજારના કોપર કેબલ ચોરી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સર્વેલન્સ સ્ટાફની માહિતી આધારે ધરમપુર પાસે વોચ ગોઠવી બે આરોપીઓને ૩૦ કિલો કોપર વાયર અને ઇકો ગાડી સહિત કુલ ૧.૧૫ લાખના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ મોબાઇલ ટાવરમાંથી અજાણ્યા ઈસમો દ્વારા નાની-મોટી સાઇઝના કોપર કેબલ કિ.રૂ.૩૦,૦૦૦/-ની ચોરી થતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચોરીની ઘટનાને પગલે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. તે દરમ્યાન તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળી કે ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ ચોરાયેલ કોપર કેબલ લઇ એક ઇકો ગાડીમાં ધરમપુર તરફથી મોરબી તરફ આવી રહ્યા છે. મળેલી ચોક્કસ બાતમીને આધારે ધરમપુર ગામના સ્મશાન નજીક પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. ત્યારે થોડી વારમાં એક શંકાસ્પદ ઇકો ગાડી પસાર થતા, પોલીસે તેને રોકી ગાડીની તપાસમાં ચોરીમાં ગયેલા કોપર કેબલ વાયર મળી આવતા બે આરોપી કાટીયાભાઈ નરશીભાઈ દેવીપુજક ઉવ.૩૨ રહે. કંકાવટી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર તથા આરોપી દિલીપભાઈ પોપટભાઈ દેવીપુજક ઉવ.૩૫ રહે. વાલબાઈની જગ્યા પાસે, ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર વાળા બન્નેની અટક કરી હતી. આ સાથે પોલીસે બંને પાસેથી આશરે ૩૦ કિલો કોપર વાયર તથા ઇકો ગાડી રજી. નં. જીહે-૦૩-ડીએન-૨૫૫૧ મળી કુલ રૂ. ૧,૧૫,૦૦૦/- નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.









