ક્રાઇમ બ્રાંચે આર્ટિગા કાર સહિત રૂ. ૬.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીક આર્ટિગા કારમાં મેફેડ્રોન ડ્રગ્સ લઈ જતા જામનગરના બે ઇસમોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ૫૦ ગ્રામ ૧૩ મિલીગ્રામ મેફેડ્રોન પાવડર સહિત કાર અને મોબાઇલ મળી કુલ રૂ. ૬,૫૫,૮૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ કેસમાં બે અન્ય આરોપીઓના નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લામાં નાર્કોટીક્સ અને માદક પદાર્થોની હેરાફેરી પર અંકુશ લાવવા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતા મોરબી એલસીબી, પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ કાર્યરત હોય, તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે જામનગરના બે ઇસમો સફેદ રંગની આર્ટિગા કાર નં. જીજે-૦૩-એનપી-૪૭૯૨માં ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ લઈ હળવદ તરફથી મોરબી થઈ જામનગર તરફ જઈ રહ્યા છે. મળેલ માહિતીના આધારે મોરબી મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ જતા રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન અર્ટિગા કાર પસાર થતાં તેને રોકી તલાશી લેતા તેમાં માદક પદાર્થ મેફેડ્રોન પાવડર વજન ૫૦ ગ્રામ ૧૩ મિલીગ્રામ કિ.રૂ.૧,૫૦,૩૯૦/- મળી આવતા પોલીસે તુરંત કારમાં સવાર બંને આરોપીઓ તૌસીફમીંયા હુશેનમીંયા બુખારી ઉવ.૩૫ રહે. નવાગામઘેડ જામનગર અને ઇકબાલભાઇ મુસાભાઇ ચાવડા ઉવ.૪૫ રહે. બેડેશ્વર રોડ જામનગર વાળાની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછ દરમ્યાન બંનેએ અન્ય બે આરોપી શરીફ રહે. જરુશા જી.પાટણ અને સાંચોર નજીકથી ડ્રગ્સ પહોંચાડનાર સફેદ સ્કોર્પિયો કારના ચાલક એમ બે આરોપીઓના નામની કબૂલાત આપતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ સાથે પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ, અર્ટિગા કાર, ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૬,૫૫,૮૯૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત ચારેય આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી મોરબી ક્રાઇમ બ્રાંચે વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









