હળવદના સુસવાવ ગામ નજીક રોડ અકસ્માતના બનાવમાં દેવળીયાથી સુસવાવ મોટર સાયકલમાં પરત આવતા ખેડૂત સહિત બે વ્યક્તિને પુરપાટ આવતી કારે સાઈડમાંથી ટક્કર મારતા મોટર સાયકલ સવાર બંને રોડ ઉપર પડી ગયા હતા, જેના મોટર સાયકલ ચાલક ખેડૂતને પગમાં ફ્રેકચર તથા પાછળ બેઠેલ વ્યક્તિને પગમાં, શરીરે છોલછાલ તથા મૂંઢ ઇજાઓ થઈ હતી. ત્યારે અકસ્માતના બનાવ અંગે મોટર સાયકલ ચાલક દ્વારા હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ ગઈ તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા બાબુભાઇ મુળજીભાઈ રાઠોડ ઉવ.૪૬ અને તેમના ખેતરમાં કામ કરતા મોહનભાઇ બાબુભાઇ મકવાણા બંને લોકો બાબુભાઇના યામહા કંપનીના ક્રક્ષ બાઇક રજી.નં. જીજે-૦૧-એફએચ-૪૯૬૭માં સાંજના સુમારે દેવળીયા ખાતેના ખેતરથી તેમના ગામ સુસવાવ આવતા હોય ત્યારે સુસવાવ ગામના પાટીયા પાસે નેક્ષા કંપનીની બલેનો રજી.નં. જીજે-૦૬-પીસી-૪૨૨૬ ના કાર ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપથી ચલાવીને આવી બાબુભાઇ મોટર સાયકલને સાઈડમાંથી ટક્કર મારતા બંને લોકો રોડ ઉપર પડી જતા બંને ઇજાગ્રસ્ત થયા હતા.
ત્યારે અકસ્માતની ઘટના બાદ આજુબાજુથી એકઠા થયેલા લોકોએ ૧૦૮ મારફત બંને શખ્સોને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં બાબુભાઈને પગમાં ફ્રેકચર તથા મોહનભાઈને પગમાં છોલછાલ તેમજ મૂંઢ ઇજાઓની સારવાર આપવામાં આવી હોય ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે મોટર સાયકલ ચાલક બાબુભાઇ દ્વારા બલેનો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.