રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી મોરબી પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂ સાથે બે આરોપી ને ઝડપી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, દારૂનો મોટો જથ્થો ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે રોડ પરથી વાંકાનેર બાઉન્ટ્રીમાં એન્ટર કરવામાં આવવાનો છે. જે હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી મહિપાલસસીંગ તેજસીંગ ઝાલા નામના રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા શખ્સને રોકી તેની ગાડીની તપાસ કરતા તેની પાસેથી કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કાચની કંપની શીલ પેક ભારતીય બનાવટની રૂ.૪૧,૧૬૫/-ની કિંમતની ઇગ્લીશ દારુની બોટલો તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.૪૪,૬૬૫/-નાં માલસામાન સાથે આરોપીની અટકાયત કરી છે. જે બાદ તેની સઘન પુછપરછ કરતા તેણે જણાવેલ કે, કમલેશભાઇ નામના આરોપીએ ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મંગાવ્યો હતો. જેને લઈ પોલીસે કમલેશભાઇ નામના આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જયારે અન્ય દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન નાગનાથ શેરીના નાકા પાસે એક શંકાસ્પદ શખ્સ જણાતા તેને રોકી તેની પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેની પાસે રહેલ રૂ.૨૦,૦૦૦/-ની કિંમતના જીજે-૩૬-જે-૦૭૪ નંબરના એક્ટીવાને તપાસતા તેની અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની રૂ.૧૮૦૦/-ની કિંમતની ૬ શીલબંધ બોટલો મળી આવી હતી. જે મળી કુલ રૂ.૨૧,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પોલીસે એક્ટિવા ચાલક નીરજરભાઈ દિલીપભાઈ ઓઝા નામના શખ્સની અટકાયત કરી છે. અને આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી આરંભી છે.