બહાદુરગઢ અને ગાળા ગામ નજીક પાર્ક કરેલ ગાડીઓમાંથી કુલ ૯૭૦ લીટર ડીઝલ ચોરી, મોરબી તાલુકા પોલીસમાં બે ફરિયાદ નોંધાઈ.
મોરબી તાલુકાના ગાળા ગામ તથા બહાદુરગઢ ગામ નજીક રાત્રિના સમયે પાર્ક કરેલ ટ્રક-ડમ્પરોમાંથી અજાણ્યા ઈસમોએ ડીઝલ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. બંને ઘટનામાં કુલ મળીને આશરે રૂ. ૮૮ હજારથી વધુનું ડીઝલ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ફરિયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકા વિસ્તારમાં ડીઝલ ચોરીની બે અલગ અલગ ઘટનાઓ સામે આવતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા ફેલાઈ છે. પ્રથમ બનાવમાં બરવાળા ગામના રહેવાસી અને ટ્રાન્સપોર્ટર કલ્પેશભાઈ કેશવજીભાઈ શેરશીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા. ૨૫/૦૧/૨૦૨૬ના રોજ રાત્રિના સાડા બારથી સવારે છ વાગ્યાના સમય દરમ્યાન ગાળા ગામના પાટિયા નજીક કેલીબર પેપર મીલ પાસે પાર્ક કરેલી તેમની ગાડીઓની ડીઝલ ટેન્ક તોડી અજાણ્યા ચોર ઇસમોએ આશરે ૨૨૦ લીટર ડીઝલ કિ.રૂ.૧૯,૯૬૨/- ની ચોરી કરી હતી. આ બાબતે તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની ટોઅસ ચલાવી છે.
જ્યારે બીજી ડિઝ ચોરીની ઘટનામાં મોરબી શહેરના રવાપર રોડ એકતા એવન્યુ હાઇટસ ફલેટ નંબર ૪૦૨માં રહેતા ટ્રાન્સપોર્ટર હિતેષભાઈ સવજીભાઈ અઘારાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા. ૨૫/૦૧/૨૦૨૬ના રોજ રાત્રિના એકથી છ વાગ્યા દરમિયાન બહાદુરગઢ ગામના પાટિયા પાસે અવધ કાંટા નજીક પાર્કિંગમાં પાર્ક કરેલ તેમના તથા અન્ય ટ્રાન્સપોર્ટરોના ડમ્પરોમાંથી નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા ઇસમોએ ડીઝલની ચોરી કરી હતી. આ ઘટનામાં કુલ ૭૫૦ લીટર ડીઝલ કિ.રૂ.૬૮,૦૫૫/- ની ચોરી થઈ હોવાનું નોંધાયું છે. હાલ બન્ને બનાવોમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.









