મોરબી તાલુકા વિસ્તારમાં રફાળેશ્વર-જાંબુડીયા સર્વિસ રોડ અને મોરબી-હળવદ હાઈવે પર ઘુંટુ ગામ નજીક થયેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં ટ્રક અને હાઇવાના ચાલકો દ્વારા પોતાના વાહન ગફલતભરી રીતે ચલાવી આવી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં બે મોટર સાયકલના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને બનાવોમાં મોરબી તાલુકા પોલીસે બન્ને ટ્રકના ચાલક વિરુદ્ધ બી.એન.એસ. અને એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા વિસ્તારમાં છેલ્લા દિવસોમાં બે અલગ અલગ સ્થળોએ થયેલા માર્ગ અકસ્માતના બનાવની મળતી વિગતો મુજબ, પ્રથમ બનાવ મોરબી-હળવદ હાઈવે રોડ ઉપર ઘુંટુ ગામના ત્રણ રસ્તા પાસે તારીખ ૦૪/૦૧/૨૦૨૬ના રોજ બન્યો હતો. જેમાં હળવદ તાલુકાના કડીયાણા ખાતે રહેતા રવિભાઈ નવઘણભાઈ ગોલતર પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએસ-૬૧૩૧ ઉપર આંદરણા પાસે સેલોજા કારખાને જઈ રહ્યા હતા. તે દરમ્યાન ટ્રક રજી.નં. જીજે-૧૨-બીવી-૧૪૭૮ના ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી તેમની બાઈકને બાજુમાંથી ટક્કર મારતા રવિભાઈને ડાબા પગે ઘૂંટણની નીચે ત્રણ-ચાર ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ તેમજ શરીરે છોલછાલ થઈ હતી.
જ્યારે બીજો અકસ્માત રફાળેશ્વર-જાંબુડીયા સર્વિસ રોડ ઉપર ઓવરબ્રીજ પાસે તારીખ ૩૦/૧૨/૨૦૨૫ના રોજ થયો હતો. જેમાં મોરબી શહેરના લીલાપર રોડ ઉપર રહેતા મૂળ ટંકારા તાલુકાના મોટા રામપર ગામના વતની કેશુભાઈ નટુભાઈ વિકાણી પોતાના એક્ટીવા રજી.નં. જીહે-૩૬-એએન-૬૪૭૬ ઉપર જઈ રહ્યા હતા. તે સમયે જાંબુડીયા તરફથી આવતા ટ્રક (હાઇવા) રજી.નં. જીજે-૧૨-એયુ-૮૯૧૦ ના ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી વાહન ચલાવી એક્ટીવાને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કેશુભાઈને છાતીના ભાગે પાસળીઓમાં ફ્રેક્ચર જેવી તેમજ ડાબા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે સાહેદ વેરસીંગભાઈને પણ શરીરે સામાન્ય ઈજાઓ થઈ હતી.
ત્યારે અકસ્માતના બંને બનાવોમાં મોરબી તાલુકા પોલીસે બીએનએસ અને એમવી એક્ટ હેઠળ બંને આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









