મોરબી ગ્રામ્યમાં બે અલગ અલગ સ્થળોએ પાણીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત નિપજ્યા છે. જેમાં એક યુવક કેનાલમાં ન્હાવા જતા જ્યારે બીજો યુવક પથ્થરની ખાણના માછલી પકડવા જતા અકસ્માતે પડી જવાથી પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. ત્યારે તાલુકા પોલીસે બંને અપમૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ટોડો સીરામીકમાં રહેતા સંજયભાઈ દેવાભાઈ જંજવાડીયા ઉવ.૩૫ ગઈકાલ તા. ૧૬/૦૯ના રોજ મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક પથ્થરની ખાણમા ભરેલ પાણીમાં માછલી પકડવા ગયેલ હોય ત્યારે પથ્થરની ખાણના પાણીમા કોઈપણ કારણોસર ડુબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી તેમના કુટુંબી પરસોતમભાઇ જંજવાડીયા મોરબી સિવિલ હોસ્પિટલે લાવતા તાલુકા પોલીસ દ્વારા પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં મૂળ ઝારખંડ રાજ્યના વતની હાલ ઉંચી માંડલ ગામ નજીક આવેલ નેહાની સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અમીતભાઈ વિભીષણ નાયક ગઇ તા.૧૫/૦૯/૨૦૨૪ના રોજ પોતાની પત્ની મધુસ્મિતાદેવીને બજારમાં બાલ કટીંગ કરાવવા જવુ છુ તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ બાલ કટીંગ કરાવી મૃતક અમિતભાઇ નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયા હતા જ્યાં અકસ્માતે કેનાલના પાણીમાં ડૂબી જઈ ગરકાવ થઈ ગયા હતા. ત્યારે સતત શોધખોળ બાદ તા.૧૬/૦૯ ના રોજ સવારના મૃતક અમિતભાઈની ડેડબોડી કેનાલના પાણીમાંથી મળી આવી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા મૃત્યુના બનાવ અંગે અ. મોત રજી. કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.