Monday, January 20, 2025
HomeGujaratપ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના સથવારે મોરબી જિલ્લાના ૩૪,૪૦૦ ઘરોની છત પર થશે વીજ...

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના સથવારે મોરબી જિલ્લાના ૩૪,૪૦૦ ઘરોની છત પર થશે વીજ ઉત્પાદન

ગરીબ તેમજ મઘ્યમ વર્ગના પરિવારોને મફત વીજળી આપવા માટે અને સૌર ઊર્જાને પ્રોત્સાહિત કરવા માટે પીએમ સૂર્યઘર યોજના-૨૦૨૪ દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એક કરોડ પરિવારોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજનાના માધ્યમ દ્વારા રૂ. ૭૫,૦૦૦ કરોડના રોકાણ હેઠળ ભારતના એક કરોડ ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા વીજળી પહોંચાડવામાં આવશે. જેના ઉપર કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી પૂરી પાડવામાં આવશે. આ યોજનાથી લોકો માટે મફત વીજળીના સપના સાકાર થશે. સાથે સરકારશ્રી માટે વીજળીના ખર્ચમાં પણ ઘટાડો થશે, પુનઃ પ્રાપ્ય ઊર્જામાં વધારો થશે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.

- Advertisement -
- Advertisement -

પી.એમ. સૂર્યઘર યોજનામાં પ્રથમ ૧ થી ૨ કિલોવોટ સુધી પર કિલોવોટ રૂ.૩૦,૦૦૦ એટલે કે ૨ કિલોવોટ સુધી રૂ.૬૦,૦૦૦ અને ત્યારબાદ વધારાના ૧ કિલોવોટ પર રૂ.૧૮,૦૦૦ એટલે કે ૧ થી ૩ કિલો વોટ સુધી રૂ.૭૮,૦૦૦ સબસીડી મળવા પાત્ર થશે. જે ગ્રાહકના બેંક ખાતામાં સીધી જમાં કરવામાં આવશે. ઉદાહરણ દ્વારા સમજીએ તો જો વપરાશ ૦ થી ૧૫૦ યુનિટનો હોય તો ૧ થી ૨ કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવાથી રૂપિયા ૩૦,૦૦૦ થી ૬૦,૦૦૦ સુધીની સબસીડી મળવા પાત્ર થશે. જો વપરાશ ૧૫૦ થી ૩૦૦ યુનિટનો હોય તો ૨ થી ૩ કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાથી રૂ.૬૦૦૦૦ થી રૂ.૭૮,૦૦૦ સુધીની સબસીડી મળવાપાત્ર થશે અને જો ૩૦૦ યુનિટથી વધુ વપરાશ હોય તો ૩ કિલોવોટથી વધુની સોલાર સિસ્ટમ લગાવવાથી વધુમાં વધુ રૂ. ૭૮,૦૦૦ સુધી સબસીડી મળવા પાત્ર થશે.

સોલાર સીસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા ૧ કિલોવોટ માટે સરેરાશ ૧૦૦ સ્કેવર ફૂટની જગ્યામાં થઈ શકે છે એટલે કે ૨ કિલોવોટ માટે ૨૦૦ સ્ક્વેર ફૂટ અને ૩ કિલોવોટ માટે સરેરાશ ૩૦૦ સ્ક્વેર ફૂટની જગ્યામાં થઈ શકે છે. ૧ કિલોવોટની સોલાર સિસ્ટમ દ્વારા દરરોજ સરેરાશ ૪ કે તેથી વધારે વીજળી યુનિટનું ઉત્પાદન થઈ શકે છે આમ, જેમ કિલોવોટની સંખ્યામાં વધારો થતો જાય તેમ વીજળી યુનિટ ઉત્પાદન કરવાની ક્ષમતામાં પણ વધારો થતો જાય છે.

પી.એમ. સૂર્યઘર યોજનાનું રજીસ્ટ્રેશન https://pmsuryaghar.gov.in/ નેશનલ પોર્ટલ ઉપર ગ્રાહક જાતે કરી શકશે અથવા સરકારે અધિકૃત કરેલી એજન્સી દ્વારા અથવા વીજ કંપનીના કર્મચારીઓની મદદથી કરી શકાશે.

મોરબી PGVCL કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ.રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં પી.એમ. સૂર્યઘર યોજના માટે મોરબી જિલ્લામાં તા.૧૪-૨-૨૦૨૪ થી રજીસ્ટ્રેશન માટે ૯૦ ટીમો કાર્યરત છે. આ યોજનાનો લાભ લેવા માટે મોરબી જિલ્લા હેઠળ ૪ વિભાગીય અને ૧૮ પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી શકાશે. વધારે માહિતી માટે PGVCL મોરબી કચેરીનો સંપર્ક કરી શકાશે.

પી.એમ. સૂર્યઘર યોજના મોરબી જિલ્લાના નોડલ અધિકારી બી.જે.વાછાણીએ જણાવ્યું હતું કે હાલ મોરબી જિલ્લામાં માટે કુલ ૩૪,૪૦૦ જેટલા કનેકશનોને પી.એમ. સૂર્યઘર યોજના હેઠળ આવરી લઈ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં તાલુકાવાર મોરબી ૨૦,૫૦૩ વાંકાનેર ૫,૭૪૩, હળવદ ૫,૦૦૦, ટંકારા ૧,૨૦૭ અને માળિયા ૧,૯૪૭ કનેકશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પી. એમ. સૂર્યઘર યોજનાના રજીસ્ટ્રેશન માટે અરજદાર પાસે લાઇટ બીલ, મોબાઈલ નંબર તેમજ બેન્કની વિગત હોવી જરૂરી છે.

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના થકી ઓછી અને મઘ્યમ આવક ધરાવતા વ્યક્તિઓને રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ આવરી તેમના વીજળી બિલને શૂન્ય કરવાનો સરકારનો ઉત્તમ પ્રયાસ છે. ઉપરાંત બચત કરેલી વીજળીનું વેચાણ કરી પોતાની આવક ઊભી કરી શકશે. આમ, ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની દરેક ભારતીયને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અને બધા માટે સારા ભવિષ્યનું નિર્માણ કરવા માટે આહવાન છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!