વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કર કમલોથી હજી પણ રાષ્ટ્રકલ્યાણના અનેક કાર્યો થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના-મંત્રી બ્રિજેશભાઇ મેરજા
રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે મોરબીના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ મોરબી જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોને વિવિઘ સહાય વિતરણનો કાર્યક્રમ શિવ હોલ – મોરબી ખાતે યોજાયો હતો. જે અંતર્ગત ૨૮૦ સખી મંડળોને ૩૬૬.૧૦ લાખની સી.સી.લોન મંજૂર કરવામાં આવી હતી. ૪૧ સખી મંડળોને ૧૨ લાખ રૂપિયાના ચેક રીવોલ્વીંગ ફંડ તરીકે તથા ૪૦ સખી મંડળોને સી.આઈ.એફ તરીકે ૨૩.૯૦ લાખ રૂપિયાના ચેક એમ કુલ ૩૬૧ સખી મંડળોને કુલ રૂપિયા ૪૦૨.૨૦ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ નારી શક્તિના ચરણોમાં વંદન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહિલા શક્તિને આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે આજે મોરબી જિલ્લાની અનેક બહેનોને વિવિધ લાભ મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી તેમને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે હજી પણ તેમના કર કમલોથી રાષ્ટ્ર કલ્યાણના અનેક કાર્યો થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. ભારતને વિશ્વ ગુરુ બનાવવામાં તેમની વડનગર થી વોશિંગસ્ટન સુધીની સફળ યાત્રાને પણ આ તબક્કે તેમણે વધાવી લીધી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાઈ જણાવ્યું હતું કે સરકારે પ્રજાની હંમેશા ચિંતા કરી છે. બહેનોના વિકાસ માટે તથા રોજગારી માટે સ્વ સહાય જૂથો દ્વારા બહેનો પગભર બને તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આ વણથંભી વિકસયાત્રામાં સૌને સહકાર આપવા પણ આ તકે તેમણે અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે રાજ્ય મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે જૂથોને વિવિધ પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને પણ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. વધુમાં આઇ.ટી.આઇ મોરબી ખાતે વર્ષ- ૨૦૨૨ માં પાસ થયેલા પ્રથમ અને દ્વિતિય ક્રમ મેળવેલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પની પણ મંત્રીએ મુલાકાત લઇ જનરલ ચેકઅપ કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવીએ કર્યું હતું. આભારવિધિ મોરબી પ્રાંત અધિકારી ડી.એ ઝાલાએ કરી હતી.આ પ્રસંગે કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેઘી, આઇ.ટી.આઇ મોરબી પ્રિન્સીપાલ જયેશભાઇ હળવદિયા, અગ્રણી સર્વ દુર્લભજીભાઈ દેથરીયા, અરવિંદભાઈ વાંસડિયા, સંગીતાબેન ભીમાણી, કે.કે. પરમાર, બચુભાઈ અમૃતિયા, કાંતિભાઈ, કાનજીભાઈ મંજુલાબેન સહિત પદાધિકારી/અધિકારી સહિત બહોળી સંખ્યામાં લાભાર્થી તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.