સૌજન્ય:Gujarat first
જરાતમાં દારૂબંધી છે, તેમ છતાં ઠેર-ઠેર દેશી અને વિદેશ દારૂનો જથ્થો સમયાંતરે પકડાય છે, તે બતાવે છે કે, દારૂબંધી કેટલી અસરકારક છે. ભૂતકાળમાં અનેક વખત પોલીસ વહીવટદારો અને અધિકારીઓની બદલી અને ફરજ મોકૂફી આવી હોવાના અનેક દાખલા છે. છેલ્લાં એકાદ વર્ષમાં અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય શિક્ષાત્મક કાર્યવાહી કરી ચૂક્યાં છે. શનિવારના રોજ DGP વિકાસ સહાયે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે લીધેલાં શિક્ષાત્મક પગલાંએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે.
15 પોલીસ કર્મચારીઓ સામે જ કેમ કાર્યવાહી ?
ગત 24 જાન્યુઆરીના રોજ દેશી દારૂ ભરેલી કારના ચાલકે અમદાવાદ ગ્રામ્ય પોલીસની PCR વાનને ટક્કર મારતા કણભા પોલીસ સ્ટેશનના ASI બળદેવભાઈનું મોત નિપજ્યું હતું. આ મામલે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાતા પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ આરંભી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે રાજસ્થાન ખાતેથી ફરાર બુટલેગર ભુપેન્દ્ર ભાટી ઉર્ફે ભુપીની બીજા દિવસે ધરપકડ કરી હતી. આ ઉપરાંત ફરાર કાર ચાલક રૂપેશ નટની પણ ધરપકડ કરાઈ હતી. SMC એ પકડેલા નામચીન બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભુપીના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાંથી અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના પોલીસ કર્મચારીઓના નંબર અને વોટ્સએપ ચેટ મળી આવી હતી. બુટલેગર ભુપી SMC ને હાથ લાગ્યો તે સમયે 9 કેસમાં વૉન્ટેડ હતો. કણભાના ASI ના હત્યા કેસમાં પકડાયેલા બુટલેગર સાથે સંપર્કો ધરાવતા 15 પોલીસ કર્મચારીઓની પોલ SMC એ ખોલી નાંખી Gujarat DGP વિકાસ સહાયને રિપોર્ટ કર્યો હતો.
10 અધિકારી અને 15 કર્મચારીઓને પોલીસ ભવનમાં હાજર રખાયા
SMC એ કરેલા રિપોર્ટના આધારે Gujarat DGP વિકાસ સહાયે અમદાવાદ શહેર અને ગાંધીનગરના તમામ 15 પોલીસ કર્મચારીઓને પોલીસ ભવન ખાતે હાજર રહેવા આદેશ કર્યો હતો. સાથે સાથે અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાંચ અને ગાંધીનગર જિલ્લા LCB સહિતના 10 જેટલા પોલીસ અધિકારીઓને પણ હાજર રખાયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શનિવારે સવારે પોલીસ ભવન ખાતે બોલાવી લેવાયા હતા. સાંજ સુધી તમામને પોલીસ ભવનમાં બેસાડી રખાયા અને બીજી તરફ અમદાવાદ શહેરના 12 અને ગાંધીનગરના 3 પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલીનો હુકમ તૈયાર કરવામાં આવ્યો હતો. બદલીનો હુકમ સંલગ્ન પોલીસ કમિશનર અમદાવાદ અને અન્ય જિલ્લાના પોલીસ વડાને મોકલી આપી બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓને તાત્કાલિક છુટા કરવા તેમજ હાજર કર્યાની જાણ DGP Office ને કરવા આદેશ કરાયો હતો.
Gujarat DGP એ ઈતિહાસ સર્જયો
રાજ્ય પોલીસ બેડામાં Gujarat DGP વિકાસ સહાયે કરેલો આદેશ ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કર્મચારીઓના મેળાપીપણાથી ચાલતા દારૂની હેરફેર-ધંધાના કારણે એક ASI નું મોત થયું હોવાની ઘટનાએ ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકાવી દીધું હતું. એએસઆઈના હત્યા કેસ (ASI Murder) ના મામલામાં કડક કાર્યવાહી કરવી જરૂરી બની હતી અને એટલે જ Gujarat DGP એ તમામ જવાબદાર પોલીસ કર્મચારીઓ (કહેવાતા વહીવટદાર) ની એક સાથે જિલ્લા બદલી કરી છે. ગુજરાત પોલીસના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ ભવન ખાતે હાજર રાખી કાર્યવાહી કરવામાં આવી હોય.