મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિ નિમિતે મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીમાં આજે બીજા દિવસે ભારત સરકારના પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે મંત્રી પરસોત્તમ રૂપાલાએ હવનકુંડમાં આહુતિ અર્પણ કરી ભાવ સમર્પણ કર્યું હતું. તેમજ વિવિધ પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
કેન્દ્રીય મંત્રી રૂપાલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન કવનની ઝીણવટભરી વિગતોથી વાકેફ થયા હતા. મંત્રી ટંકારા ખાતે નિર્માણ પામનાર ‘જ્ઞાન જ્યોતિ તીર્થ’ની પ્રતિકૃતિ જોઈ પ્રભાવિત થયાં હતાં. તેમણે લોક કલ્યાણનું વિશાળ કાર્ય હાથ ધરવા બદલ રાજ્યપાલને અભિનંદન પાઠવ્યા હતા.
જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવ અંતર્ગત દરરોજ વહેલી સવારે યોગ આસન કરાવવામાં આવી રહ્યા છે. મહોત્સવમાં ભાગ લઈ રહેલા મહેમાનો યોગ આસનોના સેશનમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે મંત્રી સાથે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય કાંતિ અમૃતિયા, દુર્લભજી દેથરીયા, પ્રકાશ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.