મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેને પશ્ચિમી ઢબે નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ ઢબે ‘વાત્સલ્ય દિવસ’ તરીકે ઉજવી જરૂરિયાતમંદ બાળકોને વૈભવી કારમાં શહેરભરની સહેલ અને ભોજન કરાવી ભારતીય સંસ્કૃતિનો મર્મ ઉજાગર કર્યો હતો.
મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેને નવી ઓળખ આપતાં તેને “વાત્સલ્ય દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો હતો. પ્રેમના વ્યાપારીકરણ કરતાં ત્યાગ, સમર્પણ અને બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધવાની ભારતીય ભાવનાને પ્રાધાન્ય આપતાં આ અનોખી પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત સરકારી શાળાના સામાન્ય તથા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને શહેરભરમાં આશરે ૫૦ જેટલી વૈભવી કારોમાં બેસાડી યાદગાર સહેલગાહ કરાવવામાં આવી હતી. શનાળા રોડ સ્થિત સ્કાય મોલ પાસેથી શરૂ થયેલી આ આનંદયાત્રા દરમિયાન બાળકો સનરૂફમાંથી હાથ લહેરાવી હર્ષનાદ કરતા જોવા મળ્યા હતા. તેમના ચહેરા પર ઝળહળતું સ્મિત આ ઉજવણીનો સાચો ભાવ વ્યક્ત કરતું હતું.
આનંદયાત્રા બાદ બાળકોને પ્રતિષ્ઠિત હોટેલમાં લઈ જઈ પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. ભોજન વ્યવસ્થા નિર્ષિવ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવી હતી. સ્વાદિષ્ટ વાનગીઓ સાથેનો આ પ્રસંગ બાળકો માટે અવિસ્મરણીય બની રહ્યો હતો. આ પ્રસંગે ગ્રુપના મેન્ટોર ર્ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સાચો પ્રેમ સંવેદનામાં વસે છે અને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી ઉજવણી છે. યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા સતત સાતમા વર્ષે આ પરંપરા જાળવી સમાજને માનવતા અને સંસ્કારનો સંદેશ આપવામાં આવ્યો છે.









