આજે રક્ષાબંધનનો તહેવાર છે. ત્યારે મોરબી ખાતે આવેલ મોરબી સબ જેલમાં રક્ષાબંધનના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા આવેલી બહેનોને ‘એક પેડ મા કે નામ’ યોજના અંતર્ગત છોડ આપવામાં આવ્યા હતા.
આજે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી સબ જેલ ખાતે રહેલ બંદીવાન ભાઇઓ/બહેનો માટે રાખડી (રક્ષાસુત્ર) બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ, અમદાવાદ ડો.કે.એલ.એન.સૂવ તેમજ જેલ અધિક્ષક રાઘવ જૈના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી સબ જેલ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણીના ભાગ રૂપે જેલના બંદીવાન ભાઇઓને રાખડી બાંધી પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને દરેક બંદીવાન ભાઈઓ તરફથી ભેટ સ્વરૂપે પોતાની બહેનને એક છોડ આપવામાં આવ્યો હતો. ભાઇ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી સાથે-સાથે પર્યાવરણના જતનનો સંદેશો જાહેર જનતામાં પ્રસરે તેવી અનોખી પહેલ કરવામાં આવી છે.