મોરબીમાં જીવીટી ટાઇલ્સ બનાવતા ૧૧૦ ઉદ્યોગકારોની બેઠક મળી હતી. અગાઉથી નક્કી કરાયેલા ભાવ વધારો અમલમાં મૂકાયાનાં પગલે આજે તમામ ઉદ્યોગકારોએ એકતા દર્શાવતા શપથ લીધા કે તેઓ નવા ભાવે જ માલ વેચશે અને એસોસિએશનના નિયમોનું પાલન કરશે.
મોરબીના ટાઇલ્સ ઉદ્યોગમાં જીવીટી ટાઇલ્સ બનાવતા ૧૧૦ થી વધુ ઉદ્યોગકારોએ ભાવ વધારાની અમલવારી અંગે અનોખી રીતે એકબીજાની હાજરીમાં શપથ લીધા હતા.
આ બેઠક મોરબી સિરામિક એસોસિએશનના વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાની અધ્યક્ષતામાં મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, “એપ્રિલ મહિનામાં થયેલી બેઠકમાં ટાઇલ્સના ભાવમાં રૂ. ૨ પ્રતિ સ્ક્વેર ફૂટનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો, જે હવે અમલમાં મૂકાઈ ગયો છે. આજે તેની બેઠકમાં ઉદ્યોગકારોએ એ નિર્ધાર કર્યો કે કોઇપણ રીતે ભાવ ઓછો નહીં થાય અને એકતા જાળવીને નવા ભાવે જ માલ વેચાશે.” તેમણે ઉમેર્યું કે, “બજારમાં ગળાકાપ હરીફાઈ સર્જાય નહીં એ માટે તમામે મળીને એવું મક્કમ નક્કી કર્યું છે કે ઉદ્યોગ માટે નિયમો બનાવનારી એસોસિએશનના દરેક નિર્મયોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.”
મોરબીના સિરામિક ઉદ્યોગમાં આ પ્રકારની સહમતી અને સંકલ્પનો દુર્લભ ઉદાહરણ જોવા મળ્યું છે. ઉદ્યોગકારો દ્વારા લેવાયેલો આ શપથ સમગ્ર ઉદ્યોગ માટે મજબૂત સંકેત આપે છે કે મોરબી ટાઇલ્સ ઈન્ડસ્ટ્રી હવે વધુ સજાગ અને સંગઠિત બની રહી છે.