મોરબીમાં જલારામ જયંતિની શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણ બાદ મોરબી લોહાણા સમાજમાં ઉથલપાથલ સર્જાઈ છે. પ્રમુખ ગીરીશભાઈ ધેલાણી અને તેમના પુત્ર ભાવિન ધેલાણી પર અયોગ્ય વર્તનના આક્ષેપો બાદ સમાજના આગેવાનોએ તેમના રાજીનામાની માંગ કરી છે, નહીં તો આંદોલનની ચેતવણી આપી છે.
મોરબી શહેરના લોહાણા સમાજમાં ગત તા.૨૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ પૂજ્ય જલારામ બાપાની જયંતિ ધામધૂમથી ઉજવાઈ હતી. આ પ્રસંગે યોજાયેલી શોભાયાત્રા જલારામ મંદિરે પુર્ણ થતી વખતે સમાજના પ્રમુખ ગીરીશભાઈ ધેલાણી તથા તેમના પુત્ર ભાવિન ધેલાણીએ શોભાયાત્રા સમિતિના કેટલાક યુવાનો સાથે તણાવ અને માથાકૂટ કરી હતી. આ દરમિયાન લોહાણા સમાજના વડીલ અગ્રણી ઘનશ્યામભાઈ પુજારા ત્યાં પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ બોલચાલ વધતાં તેમને અપમાનજનક વર્તનનો સામનો કરવો પડ્યો હતો. ઘટના દરમિયાન ઘનશ્યામભાઈને મનમાં લાગી આવતા અચાનક હાર્ટ એટેક આવતા બેહોશ થઈ ઢળી પડ્યા હતા, પરંતુ ત્યારે પણ સ્થળ પર હાજર જલારામ મંદિરના સંચાલકો તથા લોહાણા સમાજના પ્રમુખ હોવા છતાં તેમની મદદ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. પરિણામે યુવાનોને ઘનશ્યામભાઈને મોટરસાયકલ પર હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા.
આ બનાવ બાદ સમગ્ર લોહાણા સમાજમાં ભારે પ્રત્યાઘાતો પડ્યા છે. આજે તા.૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ મોરબી લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે સમાજના આગેવાનોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સર્વસંમતિથી લોહાણા સમાજના પ્રમુખ ગીરીશભાઈ ધેલાણી તથા જલારામ મંદિરના સંચાલકોને તાત્કાલિક રાજીનામા આપવા માગણી કરવામાં આવી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં રાજીનામા નહીં આપવામાં આવે તો લોહાણા સમાજ ગાંધીજીના અહિંસક માર્ગે આંદોલન કરશે. આ નિર્ણય બાદ સમગ્ર મોરબી લોહાણા સમાજમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે









