મોરબી: મોરબી જિલ્લાનું નાનું એવું ગામ હાલ વર્ષોથી ચાલી આવતા નાત-જાતના ભેદભાવ અને આભડછેટના આક્ષેપથી સમગ્ર ગુજરાત ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. જેમાં શાળામાં મધ્યભોજનની સંચાલીકા અનુસૂચિત જાતિની હોવાથી વિદ્યાર્થીઓ ન જમતા હોવાના આક્ષેપથી હોબાળો મચી ગયો છે. જો કે જૂન મહિનામાં આવેલી અનુસૂચિત જાતિની મહિલાનું રાધેલું એકપણ વિદ્યાર્થીઓ ન જમતા આ મહિલાએ અસ્પૃશ્યતાને લઈને મામલતદાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રિપોર્ટ કરતા તંત્ર સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના સોખડા પ્રાથમિક શાળામાં અનુસૂચિત જાતિની મહિલા ધારાબેન મકવાણાને ગયા જૂન મહિનામાં સરકાર દ્વારા બાળકો માટે ચાલતી મધ્યાહન ભોજનનો કોન્ટ્રાકટ મળ્યો હતો. શરૂઆતમાં તેઓએ શાળામાં રસોઈ બનાવતા બપોરે એકપણ વિદ્યાર્થીઓ જમ્યો ન હતો. એટલે તેમને થોડું અચરજ લાગ્યું પણ આવી રીતે વિદ્યાર્થીઓ જમતા ન હોવાથી દરરોજ રાધેલું અન્ન બગડતું હતું. આ મહિલાના કહેવા મુજબ તેમના હાથનું બાળકો જમતા ન હોવાથી બાળકોને પૂછ્યું હતું. આથી આભડછેટનો ગંભીર મુદ્દો સામે આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ બાળકોના વાલીઓ જ હું અનુ.જાતિની હોવાથી માતાજી અભડાઈ જશે એવું કહેતા હોવોનો આક્ષેપ કર્યો હતો.
ધારાબેનના જણાવ્યા અનુસાર ધારાબેન દ્વારા બાળકોને આ બાબતે પૂછવામાં આવતા બાળકોએ જણાવ્યું હતું કે જમવાની અમને ઘરેથી ના પાડે છે. અગાઉના કોન્ટ્રાકટર ઓબીસી જ્ઞાતિના હોવાથી ત્યારે બાળકો જમતા હતા. બે મહિનાથી એસસી જ્ઞાતિના ધારાબેન મકવાણાને કોન્ટ્રાક્ટ મળતા માતાજી અભડાવાનું કહીને વાલીઓ પોતાના બાળકોને જમવા ન દેતા હોવાના આક્ષેપ સાથે આ મહિલાએ મામલતદાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી.જેમાં હાલમાં ૧૫૩ બાલકો છે જેમાંથી ૧૪૭ બાળકો જમતા જ નથી. આ બાબતે ધારાબેન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ મોરબી તાલુકા પોલોસ મથકમાં અરજી કરવામાં આવી હતી. આથી મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક તપાસના આદેસ આપી ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. તથા સમાજ કલ્યાણ વિભાબ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સોખડા પ્રાથમિક શાળાના આચાર્ય બિંદીયાબેનના જણાવ્યા અનુસાર આ બાબતે તેઓએ વાલીઓ સાથે વાત કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે બાળકોને અમે ઘરેથી જમાડીને મોકલી છીએ એટલે તેમણે ભૂખ ન લાગે એટલે તેઓ જમતા નથી અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.
જ્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત તા ૩ ના રોજ અમને આ બાબતે ટેલિફોનીક ફરિયાદ મળેલ હતી જેથી તુરંત ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી જે તપાસમાં હાલમાં આ રસોઈ બનાવતા ધારાબેનના જણાવ્યા મુજબ અનુસુચિત જાતિના હોવાથી બાળકો જમતા નથી એ પ્રકારની કોઈ હકીકત બહાર આવેલ નથી બાળકો જમતા નથી એ સાચી વાત છે પણ બાળકો અન્ય કોઈ કારણોસર જમતા ન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.