હળવદમાં ભવાનીનગર ઢોરા પાસે વધુ એકવાર ભૂંડ પકડવા બાબતે તથા અગાઉ કરેલ પોલીસમાં અરજી પાછી ખેંચવા બાબતે સરદારજી-યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. હજુ સાત દિવસ પહેલા ભૂંડ પકડવા બાબતે આજ વિસ્તારમાં અન્ય સરદારજી યુવક ઉપર છ લોકોએ હુમલો કર્યો હતો, ત્યારે વધુ એક બનાવ સામે આવતા હાલ પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા ગામે રહેતા જોગીન્દ્રસિંહ ગુરમુખસિંહ ટાંક ઉમર આશરે ૨૯ વર્ષ એ હળવદ પોલીસ મથકમાં આરોપી મહેંદ્રસિંઘ બીશનસિંઘ બગ્ગા રહે.વાકાનેર, જીતસિંઘ પ્રધાનસિંઘ ટાંક રહે.ધાંગધ્રા તથા બહાદુરસિંઘ કરતારસિંઘ ભાદા રહે.ચુપણી મુળ વાકાનેરવાળા સામે ફરિયાદ નોંધાવી કે ફરીયાદી જોગીન્દ્રસિંહ તેમની સાથેના લોકો હળવદના ભવાનીનગર ઢોરામા ભુંડ પકડવા આવેલ હોય ત્યારે આરોપી મહેન્દ્રસિંઘએ પોતાના હવાલાવાળી ગાડી જોગીન્દ્રસિંહ સાથેના સાહેદની ગાડી સાથે ભટકાડી નુકશાન પહોંચાડી આરોપીઓએ ભુંડ પકડવા તેમજ અરજી પાછી ખેચવા બાબતે બોલાચાલી કરી ગાળો દઈ લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર મારેલ હોય ત્યારે યુવકને વધુ મારમાંથી છોડાવવા વચ્ચે પડેલા સાહેદોને પણ ત્રણેય અસરોપીઓએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.