રાજ્યમાં સનસનાટી મચાવી દેનાર વાંકાનેર વઘાસીયા ખાનગી ટોલ નાકા ને લઇને તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અને સમગ્ર મામલાને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે હાલ અધિકારીઓ દ્વારા મિટિંગ યોજી સરકારને સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપ્રત કરવામાં આવશે.
વાંકાનેરના વઘાસિયા પાસેના આવેલ ડુપ્લીકેટ ટોલ પ્લાઝાનો રસ્તો રાતો રાત કરી દેવાયો બંધ
વાંકાનેરના વઘાસિયા પાસેના આવેલ ડુપ્લીકેટ ટોલ પ્લાઝાનો મામલો ગરમાયો છે. ત્યારે હાલ સીરામીક ફેક્ટરીની અંદરથી જતો રસ્તો હાલ રાતો રાત બંધ કરી દેવામાં આવ્યો છે. ફેટરીના રસ્તા પર પથ્થરો અને માટી નાખીને હાલ પૂરતો રસ્તો બંધ કર્યો છે. અહીંથી દરરોજ મોટા પ્રમાણમાં ગેરકાયદે વાહનો પસાર થતા વાહનો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. જે રસ્તો હાલ બંધ કરી દેવાયો છે.
સિરામિક એસોસિએશન મોરબીના પ્રમુખનું મિટિંગ થયાની ચર્ચા બાબતે નિવેદન
વાંકાનેર-વઘાસીયા નકલી ટોલનાકા પ્રકરણમાં એસોસિએશન સાથે મીટીંગ થવાની ચર્ચા બાબતે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે સિરામિક એસોસિએશન દ્વારા આવી કોઈ મીટીંગમાં ભાગ લેવામાં આવ્યો નથી તેમજ સિરામિક ઉદ્યોગકારો આ ટોલનાકા માંથી પસાર થયા હોય એવું ધ્યાનમાં પણ આવ્યું નથી.
વાંકાનેર ટોલનાકા મામલે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીનો ધારદાર આક્ષેપ
વાંકાનેર ટોલનાકા મામલે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ ધારદાર આક્ષેપ કરતા કહ્યું છે કે આ મામલામાં તમામની મીલીભગત હોવાનું લાગી રહ્યું છે. તેમજ એક બાદ એક બધુ નકલી સામે આવી રહ્યું છે ત્યારે ધારાસભ્ય પણ નકલી હોય એવું લાગે છે તેવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.
વાંકાનેર નકલી ટોલનાકાનો આરોપી ભાજપ સાથે જોડાયેલો હોવાથી પક્ષ પણ કરશે કાર્યવાહી
વાંકાનેર નજીક નકલી ટોલનાકા મામલામાં આરોપી ધર્મેન્દ્ર સિંહ ઝાલા ભાજપ સાથે જોડાયેલો છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીનુ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આરોપી ધર્મેન્દ્ર સિંહ ઝાલા વિરૂદ્ધ પક્ષ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે…
વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર અધિકારીઓની મિટિંગ શરૂ, રિપોર્ટ સોપાશે સરકારને
વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર એક મિટિંગ શરૂ થઈ છે. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ,સ્થાનિક પોલીસ, વાંકાનેર મામલતદાર અને ટોલ પ્લાઝા ના મેનેજર મિટિંગમાં ઉપસ્થિત રહ્યા છે. ટોલ પ્લાઝાની બંને બાજુએથી નીકળતા ગેરકાયદે રસ્તાઓ અંગે મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમજ સમગ્ર મામલે અધિકારીઓ એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોપશે. ત્યારે હવે જોવું રહશે કે સરકાર દ્વારા સમગ્ર મામલે શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.