મોરબીની નવયુગ કોલેજમાં ગીતા જયંતી અને વિશ્વ એઇડ્સ દિવસ વિવિધ માર્ગદર્શક અને જાગૃતિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના બીસીએ, બીએસસી અને નર્સિંગ વિભાગ દ્વારા ઉપયોગી, પ્રેરણાદાયી અને સમાજોપયોગી કાર્યક્રમો યોજાયા હતા.
મોરબીની નવયુગ કોલેજમાં ગીતા જયંતી તથા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ વિભાગોના સહયોગથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા માર્ગદર્શક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીસીએ વિભાગ દ્વારા ગીતા જયંતીની ઉજવણી સકારાત્મક અને આધ્યાત્મિક માહોલમાં કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ગીતાના મૂળ તત્ત્વો સર્જનાત્મક રીતે રજૂ કર્યા. “કર્મ કરો, ફળની ચિંતા ન કરો”, “યોગઃ કર્મસુ કૌશલમ્” અને “જ્યારે મન નિશ્ચિત થાય ત્યારે સફળતા નિશ્ચિત છે” જેવા પ્રેરણાદાયી સૂત્રો સાથે સુંદર પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ગીતા વિષયક સંક્ષિપ્ત વક્તવ્યો આપીને ડિજિટલ યુગમાં ગીતાના ઉપદેશોની ઉપયોગિતાને સરળ ભાષામાં સમજાવી હતી. કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓએ ગીતાના સૂત્રોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો અને સ્ટાફ દ્વારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
જ્યારે નવયુગ કોલેજના બીએસસી વિભાગ દ્વારા ગીતા જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિનિયર વિદ્યાર્થીઓએ ગીતામાં દર્શાવેલા જીવનમૂલ્યો અને તેનો ટૂંકસાર પોતાના વિચારો સાથે લખીને જુનિયર વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ એ હતો કે આજના રીલ્સના યુગમાં પણ યુવાનો ગીતાના ઉપદેશોને પોતાના જીવનમાં આત્મસાત કરી શકે.
આ ઉપરાંત નવયુગ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વીરપર, લજાઈ ગામ તેમજ પીએચસી સેન્ટર ખાતે નાટક દ્વારા એઇડ્સ અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. નાટકમાં એઇડ્સના કારણો, નિવારણ, સારવાર તથા ફેલાયેલી ગેરમાન્યતાઓ અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી તેમજ એઇડ્સ દર્દીઓ પ્રત્યે ભેદભાવ ન રાખવાનો માનવીય સંદેશ આપવામાં આવ્યો. સ્થાનિક ગ્રામજનો અને પીએચસી સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની આ જાગૃતિસભર કામગીરીને પ્રશંસા પ્રાપ્ત થઈ હતી.
આ બધા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા, આરોગ્ય પ્રત્યેની જવાબદારી અને સમાજ સેવાની ભાવનાઓ વધુ મજબૂત બની હતી. સમગ્ર કાર્યક્રમોનું સફળ આયોજન સંસ્થાના પ્રમુખ કાંજિયા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું









