મોરબી શહેરમાં હાલ વાહન ચોરીની છાસવારે ઘટના બનતી હોય છે, જેમાં મુખ્યત્વે મોટર સાયકલ ચોરીના બનાવોની પોલીસ ફરિયાદ સામે આવતી હોય છે પરંતુ હાલ નવલખી ફાટક પાસે આવેલ ઘુચરની વાડી નજીક રોડ ઉપર પાર્ક કરેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનની કોઈ અજાણ્યા વાહન ચોર ચોરી કરી લઈ ગયાના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો ઉઠવા પામ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીમાં નવલખી ફાટક નજીક સિલ્વર પાર્ક સોસાયટી પાછળ આવેલ ઘુચરની વાડીમાં રહેતા ગીરીશભાઈ કલાભાઈ ડાભી ઉવ.૪૨ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા અનુસાર ગીરીશભાઈના નામે બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૦૩-એઝેડ-૬૮૬૦ છે, જે ગત તા.૦૩/૦૧ ના રોજ રાત્રે તેમનો ભાઈ યાર્ડમાં શાક બકાલુ ખાલી કરીને આવ્યા ત્યારે તે બોલેરો ગાડી ઘુચરની વાડી નજીક રોડ ઉપર પાર્ક કરી હોય ત્યારે રાત્રીના બાર વાગ્યાની આસપાસ ગીરીશભાઈ પોતાના ઘરની બહાર નીકળ્યા ત્યારે બોલેરો રોડ ઉપર પાર્ક કરેલ જોઈ હતી, બાદમાં બીજા દિવસે સવારના ૦૪/૦૧ના રોજ આઠ વાગ્યે ગીરીશભાઈ પોતાના ઘરની બહાર નીકળ્યા ત્યારે ઉપરોક્ત બોલેરો કાર કોઈ ચોરી કરીને લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે ચોરીના બનાવ અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ સીટી એ ડિવિઝનમાં રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલ અજાણ્યા વાહન ચોર આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.