મોરબીમાં વર્ષ ૨૦૧૯માં ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે થયેલ દુષ્કર્મનાં બનાવમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ફટકારી છે. તેમજ ભોગ બનનારને ૪,૦૦,૦૦૦ નું વળતર ચૂકવવા મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે આદેશ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, વર્ષ ૨૦૧૯માં મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં એક નરાધમે ત્રણ વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું હતું. અને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતા જ પોલીસે નરાધમને દબોચી લઈ જેલ હવાલે કર્યો હતો. જેને લઈ આખરે આજે સ્પેશિયલ પોકસો કોર્ટમાં સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલો અને ૧૮ મૌખિક પુરાવા અને ૨૬ દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખી ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં પોકસોના આરોપી રમેશ બાબુ માનેવાણિયાને મોરબી કોર્ટે ૨૦ વર્ષ સખત કેદની સજા સંભળાવી છે. તેમજ ૨૦ વર્ષની સખત કેદની સાથે ૨૦,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા આપવાનો સ્પેશિયલ પોકસો કોર્ટના મેજીસ્ટ્રેટ ડી.પી.મહિડા દ્વારા ચુકાદો અપાયો છે. જ્યારે ભોગ બનનારને ૪,૦૦,૦૦૦ અને આરોપીના દંડ ના ૨૦,૦૦૦ મળી કુલ ૪.૨૦ લાખ વળતર ચૂકવાનો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.