વિશ્વની સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા ગણાતી બ્રહ્માકુમારીઝ સંસ્થા આમ જોઈએ તો બહેનોથી ચાલતી સંસ્થા છે. જેમાં સમર્પિત બહેનો નિઃશુલ્ક મેડિટેશનની સેવા આપી અનેક લોકોને તણાવ મુક્ત કરી પરમાત્માનો પરિચય આપવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. જે સંસ્થામાં હળવદના પીઢ પત્રકાર અજયભાઈ તેમજ ક્લ્પનાબહેન દવેના સુપુત્રી પૂજા આજીવન બ્રહ્મા કુમારી સંસ્થામાં સમર્પિત થશે જેને લઇને વડોદરા ખાતે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં સમર્પણ કાર્યક્રમ યોજાશે.
હળવદની પૂજા આજીવન બ્રહ્મકુમારી સંસ્થામાં સમર્પિત થશે. જે પુજાએ ડી.વી.પરખાની સરકારી શાળામાં અભ્યાસ કરી, BCA અને MCA કર્યા બાદ અન્નમલયન યુનિ.માં M.sc ની ડિગ્રી મેળવી વર્ષ 2009 થી પરમાત્માનું સત્ય જ્ઞાન અને પરમપિતા પરમાત્મા તરફથી મળેલ પ્રેમ,સુખ,શાંતિ અને પવિત્રતાના મળેલ વારસાને પોતાનો પૂરતો સીમિત નહીં રાખી જીવન કાળ દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ મનુષ્ય આત્માઓને પરમાત્માના જ્ઞાન અને વારસાની પ્રાપ્તિ કરવાની ઉમદા સેવા પાછલાં પાચ વર્ષથી વડોદરા ખાતે આવેલા અટલાદરા કેન્દ્રમાં સેવા કરી રહ્યા છે. ત્યારે અટલાદરા બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા ચાર ફેબ્રુઆરી રવિવારના રોજ પૂજા બહેન સહિત અન્ય પાચ બહેનો આજીવન પ્રભુ સેવામાં સમર્પણ થશે. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીના એડી. એડમીનીસ્ટ્રીટીવ હેડ ડો.જયન્તી દીદી, અટલાદરા સેવા કેન્દ્રના સંચાલિકા ડો.અરુણાબહેન તેમજ શહેરની વિવિધ બ્રહ્માકુમારીઝ કેન્દ્રના સંચાલિકા બહેનો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો,રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ સહિતના લોકો ઉપસ્થિત રહેશે. આજીવન પોતાની જિંદગી પ્રભુ સેવામાં સમર્પિત કરી હળવદની દીકરી પૂજા બહેને હળવદ બ્રહ્મ સમાજ સહિત હળવદ પંથકનું ગૌરવ વધાર્યું છે.