Thursday, December 18, 2025
HomeGujaratમોરબીમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજાઈ

મોરબીમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજાઈ

મોરબીમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રૂ.૨૪૭૦ કરોડનાં નવા મૂડી રોકાણથી મોરબીનાં વિકાસની રફતાર વધુ તેજ બનશે. ૫૦ એમ.ઓ.યું. પૈકી સ્થળ પર પ્રતીક રૂપે પાંચ ઉદ્યોગ સાહસિકોએ એમ.ઓ.યું કર્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનાં આયોજનથી વિશ્વના ઉદ્યોગ સાહસિકો ગુજરાત તરફ આકર્ષાયા છે.

- Advertisement -
- Advertisement -

મોરબીનાં કેશવ બેંક્વેટ હોલ ખાતે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છંગાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ૫૦ કંપનીઓ વચ્ચે રૂ.૨૪૭૦ કરોડનાં એમ.ઓ.યુ. થયા હતા. જેમા સ્થળ પર પ્રતીક રૂપે પાંચ ઉદ્યોગ સાહસિકોએ એમ.ઓ.યુ. કર્યાં હતાં. આ તકે મંત્રીએ, મહાનુભાવોએ તેમજ અધિકારીઓએ ઉદ્યોગ સાહસિકોને શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતમાં યોજાતી વાઇબ્રન્ટ સમિટ દેશના અન્ય રાજ્યો માટે અભ્યાસનો વિષય રહ્યું છે.

ત્યારે રાજ્ય સરકારે ગુજરાતનાં જિલ્લાઓમાં તેમજ રીજીયોનલ કક્ષાએ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજતા સ્થાનિક કક્ષાએ રહેલા ઉદ્યોગોને વધુ વેગ મળશે. તેમજ સ્થાનિક કક્ષાએ અનેક લોકોને રોજગારી મળી રહેશે. જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વાઇબ્રન્ટ ગુજરાતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ઉમદા વિચારને બિરદાવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત જેવા આયોજનોથી વિશ્વના ઉદ્યોગ સાહસિકો ગુજરાત તરફ વળ્યા છે. રોકાણ ફક્ત કાગળ પર જ નહીં પણ જમીન પર ઉતરે છે, તેથી જ ગુજરાતની ધરતી ઉદ્યોગ અને રોજગારી આપવામા અગ્રેસર છે. ઔદ્યોગિક પ્રગતિમાં આડે આવતા અવરોધોને રાજ્ય સરકારે દૂર કરી ઉદ્યોગોને વિકાસના પૂરક બનાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વિઝનથી આપણે પર્યાવરણના જતન સાથે ઔદ્યોગિક વિકાસ કરી રહ્યાં છે. પ્રભારી મંત્રીએ મોરબીનાં ઉદ્યોગ સાહસિકોનાં ઉત્સાહને બિરદાવી વિકસિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવા આવો જ ઉત્સાહ જરૂરી છે તેમ કહ્યું હતું. તેમણે વિશેષમાં કહ્યું હતું કે, મોરબીમાં વિવિધ ઉદ્યોગોના વિકાસ માટે સરકારે છેલ્લા બે વર્ષમાં ૧૨૦૦થી વધુ ઉદ્યોગોને રૂપિયા ૪૬૦ કરોડથી વધુ રકમની સહાય આપી છે. ઘડિયાળ અને સીરામીક ઉદ્યોગની જેમ રમકડા ઉદ્યોગમાં પણ મોરબી કાઠું કાઢી રહ્યું છે. અહીંના ઉદ્યોગકારો ખુબ જ સાહસિક અને શ્રમિકો ખૂબ મહેનતુ હોવાથી મોરબીનો વિકાસ વૈશ્વિક ઓળખ બન્યો છે આ તકે ઉદ્યોગકારોની સમસ્યાઓ પુરી કરવા વહીવટી તંત્ર તેમજ સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલા વાઇબ્રન્ટ સમિટ આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યરત રાખી છે. જેનાથી ગુજરાતના ઉદ્યોગકારોને તો ફાયદો થશે જ સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે. મોરબી ઉદ્યોગ નગરી છે. અહીંના સિરામિક, ઘડિયાળ સહિતનાં ઉદ્યોગો વૈશ્વિક ઓળખ બન્યા છે. જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ કોન્ફરન્સથી ઉદ્યોગકારો સાથેના એમઓયુ સાથે ઉદ્યોગકારોના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણનું માધ્યમ પણ બનશે. રાજકોટમાં યોજાનાર કાર્યક્રમમાં વધુને વધુ ઉદ્યોગકારોને ભાગ લેવા તથા વધુને વધુ એમઓયુ મોરબી જિલ્લાના થાય તે માટે મંત્રીએ રાજ્ય સરકાર વતી શહેરીજનોને આમંત્રણ પાઠવ્યું હતુ. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની અનેક ક્ષેત્રે પ્રગતિ થઈ તેમાં વાઇબ્રન્ટ ગુજરાતનો ફાળો અમૂલ્ય છે. મોરબી ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ સ્થાન ધરાવે છે. ત્યારે જિલ્લામાં વધું રોકાણ આવે તે દિશામાં કામ થઈ રહ્યું છે. ઉદ્યોગોને જોઈતી સગવડો આપવા સરકાર તત્પર છે. ત્યારે વૈશ્વિક કક્ષાએ મોરબીનાં ઉદ્યોગોની વધુને વધું નોંધ લેવાય તેવી શુભકામના પાઠવી હતી. જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીએ મહાનુભાવો અને ઉદ્યોગકારોને આવકારતા કહ્યું હતું કે, મોરબીના ઉદ્યોગકારો સાહસથી ભરેલા છે. ત્રણ હજાર જેટલા કારખાનાઓથી અનેક લોકોને રોજગારી મળે છે. વાઇબ્રન્ટ સમિટમાં સમગ્ર ગુજરાતમાં મોરબી મોખરે રહે તે ક્ષમતા અહીં રહેલી છે. મોરબીમાં સિરામિક, કોલસો, પેપર મીલ, ધડીયાળ, મીઠું સહિતના ઉદ્યોગ વધુને વધુ ફુલે ફાલે તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે તેવી ખાત્રી આપી હતી. મોરબી જિલ્લામાં હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. ઉદ્યોગોમાં અકસ્માત નિવારવા મશીન મેન્ટેનન્સમાં ગુણવત્તાસભર વસ્તુ વાપરવા કલેકટરએ ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે મોરબીમાં યોજાયેલ કોન્ફરન્સને આવકારી ઉમેર્યુ હતુ કે મોરબીનાં ઉદ્યોગ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય સ્તરે નામના થઈ છે. મોરબીનાં વિકાસમાં ઉદ્યોગ સાહસિકો, શ્રમિકો, રાજ્ય સરકાર અને સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને તંત્રનો ખૂબ સહકાર રહ્યો છે. આ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ઉધોગકારોને એમઓયુની સાથે તેઓના પ્રશ્નો પણ રજૂ કરવાની તક છે તેમ ઉમેર્યું હતું.

ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પ્રાસંગિક ઉદધોનમાં વાઇબ્રન્ટ ગુજરાત અંગે વિચાર રજૂ કરતા ગુજરાત સરકારની ઔદ્યોગિક પોલીસી તેમજ વિકાસનાં વિઝનથી રાજ્ય સતત પ્રગતિ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્ય અને દેશનાં વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વિઝનથી આપણું જીવન ધોરણ ઉંચુ આવ્યું હોવાનું ધારાસભ્યએ કહ્યું હતું. તેમણે પોઝિટિવિટી અને ક્રિએટિવિટી સાથે આગળ વધી, સારી આવક સાથે સારું હેલ્થ અને સારું-લાંબુ જીવન જીવવા સતત એકટીવ રહેવા અનુરોધ કર્યો હતો. આ સાથે સ્કીલ, નોલેજ અને અભ્યાસ વધારવા તેમણે ઉદ્યોગપતિઓને હાકલ કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ઉદ્યોગપતિ જયંતીભાઈ પટેલે આ તકે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. અધિક ઉદ્યોગ કમિશનર આર.એન. ડોડીયાએ પ્રાસંગિક પ્રવચન કરી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું તેમજ મોરબી જિલ્લામાં રોકાણની તકો તથા રાજકોટ ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની વિસ્તૃત સમજ આપી ઉઘોગકારોને તેનો મહતમ લાભ લેવા માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થી ઉદ્યોગકારોને સહાયનું વિતરણ થયું હતું. કાર્યક્રમનાં પ્રારંભે મહાનુભાવોએ લોકલ ફોર વોકલ પ્રદર્શનનું ઉદઘાટન કરી સ્ટોલ ધારકો સાથે વાર્તાલાપ કર્યો હતો. સિરામિક પેપર કપ ડિસ, ફેશન ડિઝાઈનીંગ, ઈલેક્ટ્રીકસ પાર્ટસ સહિતના ૧૮ સ્ટોલ રખાયા હતા. બીજા સત્રમાં જીએસટી, જેમ, ઇન્સેન્ટિવ, લેબર કાયદા, વિષે નિષ્ણાંતોનો સેમિનાર યોજાયો હતો. આ તકે ઉપસ્થિતોએ વાઇબ્રન્ટ ગુજરાતની વિડીયો ક્લિપ નિહાળી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી એસ.બી પારેજીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, અગ્રણીશ્રીઓ, ઉદ્યોગકારો, ઉદ્યોગગૃહના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!