ગઈકાલે 21 જુલાઈ સોમવારના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પદ પરથી રાજીનામું આપી દીધું છે. જગદીપ ધનખડે પોતાના રાજીનામામાં લખ્યું છે કે હું ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું, સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપું છું અને ડોકટરોની સલાહનું પાલન કરું છું.
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં, તેમણે પોતાના નાદુરસ્ત સ્વાસ્થ્ય અને તબીબી સલાહનું પાલન કરવાની જરૂરિયાતને રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગણાવ્યું છે. બંધારણની કલમ 67(a) હેઠળ આ પદત્યાગની જાહેરાત કરતા, તેમણે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના કાર્યકાળ દરમિયાન મળેલા અમૂલ્ય સહયોગ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જગદીપ ધનખડે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવેલા અમૂલ્ય અનુભવો માટે અત્યંત આભાર વ્યક્ત કર્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકાર અને સમર્થનને અમૂલ્ય ગણાવતા કહ્યું કે, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન પાસેથી ઘણું શીખ્યું છે. આ ઉપરાંત, તેમણે સંસદના તમામ માનનીય સભ્યો તરફથી મળેલા સ્નેહ, વિશ્વાસ અને આદરને જીવનભર હૃદયમાં રાખવાની વાત કરી હતી. ધનખડે પોતાના કાર્યકાળ દરમિયાન ભારતની આર્થિક પ્રગતિ અને અભૂતપૂર્વ વિકાસને નજીકથી જોવો અને તેમાં યોગદાન આપવું એ પોતાના માટે સૌભાગ્ય અને સંતોષની વાત ગણાવી હતી.