પ્રાથમિક ગણતરી મુજબ હળવદ નગરપાલિકા ૬૩.૬૧% મતદાન,વાંકાનેર નગરપાલિકા ૫૧.૫૨ % મતદાન,માળીયા મિયાણા તાલુકા પંચાયત સરવડ સીટ ૬૩.૯૮ % અને વાંકાનેર તાલુકા પંચાયત ચંદ્રપુર સીટ ૫૮.૯૯ % મતદાન નોંધાયું
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતગર્ત મતદાન યોજાઈ હતું ત્યારે મોરબી જિલ્લાની હળવદ ન.પા ની ૨૮ બેઠક અને વાંકાનેર ન.પા ની ૧૫ બેઠક ,માળીયા મી.તાલુકા પંચાયતની સરવડ બેઠક ને વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપૂર બેઠક પર મતદાન યોજાયું હતુ જેમાં હળવદમાં કુલ 30 મતદાન મથકો પર, વાંકાનેરમાં કુલ 22 મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
જેમાં મોરબી પોલીસે વૃદ્ધો,દિવ્યાંગો અને અશક્ત મતદારોને બુથ સુધી પહોંચવામાં ખૂબ મદદ કરી હતી તેમજ ચાલવામાં અસમર્થ વૃદ્ધોને ખભે ઊંચકીને બુથ સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને પોલીસની આ કામગીરીને મતદારોએ આવકારી હતી.
ત્યારે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં મીનલ દિલીપભાઈ મહાલીયા નામની કન્યાએ દિગ્વિજય સ્કૂલ ખાતે જઈને મતદાન કર્યું હતું. તેઓએ લગ્ન પહેલા મતદાનની પવિત્ર ફરજ બજાવીને આજના યુવાનો માટે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. તેણીના માતા, પિતા અને બે ભાઈઓએ કન્યા વિદાય પહેલા સ્કુલે આવીને મતદાનની ફરજ અદા કરી હતી.