એનેસ્થેસિયા આપ્યા બાદ ઓપરેશન શરૂ કરતા પહેલા બાળકે અંતિમ શ્વાસ લીધા.
વાંકાનેર શહેરના હરીઓમ ઓર્થોપેડીક હોસ્પિટલમાં ૧૦ વર્ષીય બાળકનું ઓપરેશન પહેલા જ મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બાળક સ્કૂલે જતી વખતે પડી જવાથી ડાબા હાથે ઇજા થઈ હતી, જેના કારણે તેને વાંકાનેરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઓપરેશન પૂર્વે એનેસ્થેસિયા (નશો)ની દવા અપાયા બાદ બાળકને આચકી આવી, અને તત્કાલ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
વાંકાનેર માર્કેટચોક હરીઓમ ઓર્થોપેડીક હોસ્પિટલમાં ગત તા.૧૯/૦૩ના રોજ વનરાજ ધનરાજ ઉર્ફે ધનજીભાઇ મેસરીયા ઉવ.આશરે ૧૦ વર્ષ રહે.દેવસર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળો તેના ગામ દેવસર મુકામે સ્કુલેથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામા પડી જતા વનરાજને ડાબા હાથે ઇજા થતા તેને સારવાર માટે વાંકાનેર શહેરમાં આવેલ હરીઓમ ઓર્થોપેડીક હોસ્પીટલમાં લાવવામાં આવેલ હોય, ત્યારે સારવાર દરમ્યાન ઓપરેશન કરવા માટે લીધેલ હતો. જેમા ડો.સૌનીલ શાહ દ્વારા એનેસ્થેસીયાની દવા આપીને ઓપરેશન કરવાનુ હોય જે ઓપરેશન ચાલુ કરતા પહેલા વનરાજને આચકી આવી જતા સારવાર દરમ્યાન તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુ અંગેની પોલીસ તપાસમાં હરિઓમ ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર હર્ષદ મહેશ્વરી દ્વારા આપેલ પ્રાથમિક વિગતોને આધારે પોલીસે અ.મોતની નોંધ કરી, આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.