કાજુના ધંધામાં નફાની લાલચ આપી વિશ્વાસ જીત્યો, આરટીજીએસ મારફતે લીધેલા રૂપિયા પરત ન આપતા ફરિયાદ.
વાંકાનેરમાં વ્યાપારિક અને પારિવારિક સંબંધનો લાભ લઈ ૬ લાખ રૂપિયાની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદી પાસેથી કાજુના ધંધામાં રોકાણ કરાવવાના બહાને રાજકોટના વેપારીએ બેંક એકાઉન્ટમાં રૂપિયા મેળવી પરત ન આપતા ગુનો નોંધાયો છે. આરોપી રાજકોટના વેપારીએ વિશ્વાસમાં લઈ નફાની લાલચ આપી રૂપિયા મેળવી લીધા બાદ ફોન બંધ કરી ફરાર થઈ જતા હાલ પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરના નવા કણકોટ ગામે રહેતા અયુબભાઈ ઈસ્માઈલભાઈ શેરસીયા ઉવ.૩૨એ વાંકાનેર સીટી પોલીસ મથકે આરોપી સબીરહુસેન મહમદભાઈ કસમાણી રહે. ન્યુ ઘાંચીવાડ શેરી નં.૮ રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ફરિયાદી અયુબભાઈ વાંકાનેરની સંજરી ટ્રેડર્સ નામની દુકાનમાં એકાઉન્ટ તથા ખરીદ-વેચાણનું કામ સંભાળે છે. જ્યારે આરોપી રાજકોટના પરાબજારમાં ફાઈવસ્ટાર ડ્રાયફ્રુટ પેઢી સાથે વેપારીક સંબંધો દરમિયાન આરોપી સબીરહુશેન કાસમાણી સાથે ઓળખાણ થઈ હતી. સમય જતા બંને વચ્ચે વિશ્વાસભર્યો વ્યવહાર તેમજ પારિવારિક સંબંધો પણ બંધાયા હતા.
આ દરમિયાન આરોપીએ કાજુના ધંધામાં રોકાણ કરવાનું કહી, વધુ નફો મળવાની લાલચ આપી હતી. જેના આધારે ફરિયાદીએ તા. ૧૫/૦૬/૨૦૨૫ના રોજ રૂ. ૧ લાખ અને તા. ૧૬/૦૬/૨૦૨૫ના રોજ રૂ. ૫ લાખ એમ કુલ રૂ. ૬ લાખ આરટીજીએસ મારફતે આરોપીના એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ પંદર દિવસમાં નફા સાથે રૂપિયા પરત આપવાનું કહ્યું હતુ, પરંતુ સમય પસાર થયા બાદ પણ રૂપિયા પરત ન આપતા અને ફોન બંધ કરી સંપર્ક તોડી નાખતા ફરિયાદીને ઠગાઈ થયાની જાણ થઈ હતી. હાલ વાંકાનેર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨) મુજબ ગુનો નોંધી આરોપીની અટક કરવા તપાસની તજવીજ શરૂ કરી છે.









