રોડ ઉપર કાર આડી નાખી બન્ને ભાઈઓને લાકડીથી માર મારી આપી મારી નાખવાની ધમકી, ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો.
વાંકાનેરના અદેપર ગામથી સતાપર ગામ જવાના રસ્તેથી બે મોટર સાયકલમાં થાનગઢ તાલુકાના દેવળીયા ગામ જઈ રહેલા બે ભાઈઓને સ્વીફ્ટ કર્મ આવેલા ચાર શખ્સો દ્વારા ઉભા રાખી લાકડીઓ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં સાળી સાથે પ્રેમ સંબંધનો ખાર રાખી બનેવીએ પોતાના ત્રણ સાથીદારો સાથે મળી બન્ને ભાઈઓ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
મળતી માહિતી અનુસાર થાનગઢ તાલુકાના દેવળીયા ગામે ખેત શ્રમિક પરિવાર સાથે રહેતા અને ઓપેક્ષ સિરામિકમાં કામ કરતા કિશનભાઈ વાઘેલાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ દશરથને વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના મુકેશભાઈ ભૂસડીયાની સાળી સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો, જેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી કિશનભાઈ તથા તેમનો ભાઈ દશરથભાઈ પોતાના મિત્ર સંજય ડાભી, ભાવેશ મીઠાપરા અને સંજય ચાવડા સાથે ૨૧ મેના રોજ રાત્રે અદેપર ગામે મિત્ર અરવિંદ ઝાલાના ફૂલેકાના ફંકશનમાં હાજરી આપી પરત પોતાના ગામ દેવળીયા જઈ રહ્યા હોય ત્યારે રાત્રે લગભગ ૧.૧૫ વાગ્યે અદેપર અને સતાપર વચ્ચેના રસ્તા પર એક સફેદ કલરની સ્વીફ્ટ કાર તેમની પાછળથી આવી અને મોટરસાયકલ તથા બુલેટ આગળ આડી રાખી દીધી હતી જે કારમાંથી આરોપી મુકેશભાઈ ભુસડીયા તથા તેના ત્રણ અજાણ્યા સાથીદારો લાકડીઓ લઈને ઉતર્યા. તેમણે દશરથને કહ્યું કે “તે મારી સાળી સાથે કેમ પ્રેમસંબંધ રાખ્યો છે?” તેમ કહી ગાળો આપી લાકડીથી માર મારવાનું શરૂ કર્યું. ત્યારે કિશનભાઈ વચ્ચે પડતાં તેમને પણ લાકડી વાગી ડાબા હાથમાં અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. દશરથને જમણા હાથમાં ફ્રેક્ચર આવી, ડાબા પગ અને શરીર પર પણ ગંભીર ઇજાઓ થઈ હતી. આ દરમિયાન આરોપી મુકેશભાઈએ દશરથને ધમકી આપી કે “હવે ફરીથી ભેગો થઈશ તો તને જાનથી મારી નાંખીશ” તેમ કહી કાર લઈને ચારેય આરોપીઓ ચાલ્યા ગયા હતા. જે બાદ મિત્ર કિશન રંગપરા અને ભાઈ રોહિત વાઘેલા આવ્યા હતા અને બંને ઘાયલ ભાઈઓને વાંકાનેર સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં કિશનભાઈને હાથમાં મુંઢ ઇજા અને દશરથભાઈના હાથમાં ફ્રેક્ચર હોય જેનું ઓપરેશન કરવું પડ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.