વાંકાનેરના વઘાસીયા નજીક ચકચારી નકલી ટોલનાકુ બંધ કરાવ્યાના ખોટા આક્ષેપ કરીને ટોલનાકામાં આવતી આરોપીની ગાડી મફતમાં જવા દેવાનું કહી ટોલનાકામાં કામ કરતા કર્મચારીને ફડાકા તથા ઢીંકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. તેમજ જતા જતા આરોપીએ પોતાના પાસે રહેલ લાઇસન્સવાળી રિવોલ્વરથી ભડાકે દઈને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ બાબતે વાંકાનેર સીટી પોલીસમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ આશરે છ માસ પૂર્વે વાંકાનેરના વઘાસીયા ગામ પાસે ઝડપાયેલ ચકચારી નકલી ટોલનાકાનમાં કુલ છ આરોપીઓ પૈકીનો એક આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા તથા તેની સાથેના અન્ય એક શખ્સ પ્રતીકસિંહ ઉર્ફે પીન્ટુભા જનકસિંહ ઝાલા બંને વઘાસીયા ગામવાળાએ વઘાસીયા ટોલનાકા ઉપર જય ફરિયાદી જયેન્દ્રસિંહ જયુભા ઝાલા ઉવ.૩૭ રહે. જુના વઘાસીયા કે જેઓ હાલ વઘાસીયા ટોલનાકામાં ટોલબૂથ ઓપરેટર તરીકે ફરજ બજાવતા હોય ત્યારે ગઈકાલ તા.૨૬/૦૫ના રોજ બપોરના અરસામાં કાર લઈને આવી દેવેન્દ્રસિંહ ઝાલાને કહેલ કે તે અમારું નકલી ટોલનાકુ બંધ કરાવ્યું છે અને હવે હું કહું તે ગાડીઓ અહીંથી મફતમાં જવા દેવાની તેમ કહી દેવેન્દ્રસિંહને ફડાકા મારી દીધા હતા તેમજ તેની સાથેના પ્રતીકસિંહ ઉર્ફે પીન્ટુભા એ પોતાના પેન્ટના નેફમાંથી છરી કાઢી દેવેન્દ્રસિંહને મારવા જતા છરી નીચે પડી ગઈ હતી. ત્યારે બંને આરોપીઓએ ભેગા મળી દેવેન્દ્રસિંહને ગાળો આપી આડેધડ ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા તે દરમિયાન દેવેન્દ્રસિંહના કાકા અને બીજા સંબંધી આવી જતા ઉપરોક્ત બંને આરોપી જતા રહ્યા હતા અને જતા જતા આરોપી રવિરાજસિંહ ધમકી આપી હતી કે મારી પાસે લાઇસન્સ વાળી રિવોલ્વર છે જે મારી સાથે જ હોય છે તેથી તેનાથી તને ગમે ત્યારે ભડાકે દઈને મારી નાખવો છે તેવી ધમકી આપી હતી. ત્યારે હાલ દેવેન્દ્રસિંહ દ્વારા વાંકાનેર પોલીસ મથકમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોધાવી છે.