વાંકાનેર પાસે આવેલા વઘાસીયા ટોલનાકા પાસે કિયા કંપનીની ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાની કાર પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ટોલનાકાના બેરીકેટ અને પોલીસકર્મીઓની ખાનગી કાર અને બાઇકને ટક્કર મારી આરોપી નાશી ગયો હતો, ત્યારે સમગ્ર બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દ્વારા કારના રજીસ્ટર નંબરના આધારે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
વાંકાનેર તાલુકામાં રોડ સલામતીને લાચાર કરતી એક વધુ ઘટના સામે આવી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર દ્વારા નોંધાયેલી ફરિયાદ અનુસાર તા. ૪ જૂન, ૨૦૨૫ના રોજ સાંજે લગભગ વઘાસીયા ટોલનાકા નજીક અચાનક એક કિયા કંપનીની ફોર વ્હીલ ગાડી રજી. નં. જીજે-૩૬-આર-૧૯૩૫ પુરઝડપે આવી અને ટોલનાકાના બેરીકેટ સાથે અથડાઈ હતી. જે બાદ આ ગાડીના ચાલકે પોલીસ કર્મચારીની ખાનગી ફોર વ્હીલ અને બાઈકને પણ ટક્કર મારી હતી, જેના પરિણામે વાહનોમાં નુકશાન થયું હતું. અકસ્માતની હારમાળા સર્જી કિયા ફોર વ્હીલ કાર ચાલક પોતાની કાર લઈને ભાગી ગયો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ફરાર દર્શાવી અને તેની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.