હિટ એન્ડ રનના કિસ્સામાં અજાણી કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
વાંકાનેરના ચંદ્રપુર નજીક ચોટીલા હાઇવે ઉપર ચાલીને રોડ ક્રોસ કરી રહેલા આધેડને પુરપાટ આવતી કારે ઠોકરે ચડાવી અકસ્માત સર્જી અજાણી કારનો ચાલક પોતાની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. જ્યારે કાર હડફેટે ઇજાગ્રસ્ત આધેડનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના પુત્ર દ્વારા આરોપી અજાણી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના નવી રાતીદેવરી ગામે રહેતા ધારાભાઇ લવજીભાઇ વિકાણી ઉવ.૪૫ ગત તા. ૧૩/૦૯ના રોજ ચંદ્રપુર નજીક ચોટલીલા નેશનલ હાઇવે શ્રીનાથજી વે બ્રિજ સામેથી પગપાળા રોડ ક્રોસ કરતા હોય તે વખતે અજાણી સફેદ કલરની ફોર વ્હીલ કારના ચાલકે પોતાના હવાલા વાળું વાહન પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ધારાભાઈને હડફેટે લઈ અકસ્માત સર્જી ધારાભાઈને રોડ ઉપર પછાડી દેતા તેઓને માથામાં તથા પગે ગંભીર ઇજા થતા તેઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ધારાભાઈનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ અજાણી કારનો ચાલક પોતાનું વાહન લઈને અકસ્માતના સ્થળેથી નાસી ગયો હતો. ત્યારે મૃતકના પુત્ર રોહિતભાઈ ધારાભાઈ વિકાણી દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.