વાંકાનેર પોલીસે આરોપી કાર ચાલક, વિદેશી દારૂ મંગાવનાર પિતા-પુત્ર બે તથા સપ્લાયર સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધ્યો.
વાંકાનેર-રાજકોટ હાઇવે રોડ ઉપર રેલ્વે ગરનાળા નજીકથી એસન્ટ કારમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૧૦૫ બોટલ ઝડપી લેવામાં આવી હતી, આ સાથે પોલીસે આરોપી કાર ચાલક તથા માલ મંગાવનાર બે આરોપીઓ એમ કુલ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે કાર તથા બે નંગ મોબાઇલ અને દારૂના જથ્થા સહિત કુલ રૂ.૧,૫૫,૧૮૮/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે વિદેશી દારૂ આપનાર મોરબીના એક બુટલેગરનું નામ ખુલતા પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસે રાજકોટ રોડ ન્યારા પેટ્રોલ પંપ સામે રેલ્વે ગરનાળા પાસેથી એસન્ટ કાર રજી.નં. જીજે-૦૭-એઆર-૪૩૦૭માંથી વિદેશી દારૂની નાની-મોટી ૧૦૫ બોટલ કિ.રૂ.૪૦,૧૮૮/-સાથે કાર ચાલક આરોપી સચિન સુરેશભાઇ ડેડાણીંયા/કોળી ઉવ.૨૭ ધંધો-નોકરી રહે.જુના ચંદ્રપુર રોડ જીનપરા વાંકાનેર વાળાની અટકાયત કરી હતી, જ્યારે વાંકાનેર પોલીસ તપાસમાં વિદેશી દારૂ મંગાવનાર આરોપી ધ્રુવંશ કિરીટભાઇ ગોદડકા ઉવ.૨૦ તથા આરોપી કિરીટભાઇ ઉર્ફે ભુરાભાઇ ગણેશભાઇ ગોદડકા બન્ને રહે-દ્વારકાનગરી સોસાયટી વાંકાનેર-રાજકોટ રોડ વાંકાનેર વાળાની પણ અટકાયત કરવામાં આવી હતી, હાલ પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી વિદેશી દારૂ, એસન્ટ કાર, બે મોબાઇલ સહિત રૂ. ૧,૫૫,૧૮૮/- મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે વિદેશી દારૂ આપનાર મોરબીના વીસીપરામાં રહેતો આરોપી શુભમ ભાટ્ટી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેની શોધખોળ શરૂ કરી છે, આ સાથે વાંકાનેર સીટી પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.