વાંકાનેરના હસનપર ગામની સીમમાં તીરૂપતિ કોલ સપ્લાયર્સ કારખાનામાં રમતા બે વર્ષના બાળકનું લોડર વાહન ઠોકરે મોત નીપજ્યું હતું. હાલ મૃતકના પિતાની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે લોડર ડ્રાઇવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, દલ્લુભાઇ મોહનભાઇ બીલવાલ ઉવ.૩૦ મૂળ ગુંદીરેલા તા.સરદારપુર જી.ધાર એમ.પી.ના વતની હાલ હસનપર ગામની સીમમાં તિરુપતિ કોલ સપ્લાયર્સ કારખાનામાં વાંકાનેર વાળાએ લોડર રજી.નં. જીજે-૩૬-એસ-૬૬૯૯ના ચાલક રાકેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૦ સપ્ટે.૨૦૨૫ના સાંજના અરસામાં હસનપર ગામની સીમમાં આવેલ તીરૂપતિ કોલ સપ્લાયર્સ કારખાનામાં ફરિયાદીનો પુત્ર અંકીત રમતો હતો. તે સમયે લોડરના ચાલક રાકેશભાઈએ પોતાના હવાલા વાળું લોડર પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી માસુમ બાળકને હડફેટે લીધો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ તે દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આરોપી લોડર ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે